- 26 ઓગસ્ટે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોને અપાશે શ્રદ્ધાંજલિ
- હવે આંદોલનમાં કોઈ પણ વ્યક્તિ આંદોલનનો ચહેરો નહિ હોય - લાલજી પટેલ
- ચૂંટણી સમયે મતનું હથિયાર ઉગામીશું, જે પાર્ટી અમારી માગોને સમર્થન નહિ આપે તેનો થશે બહિષ્કાર
અમદાવાદ: રાજ્યમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનમાં સરદાર પટેલ સેવાદળ ગૃપ સક્રિયપણે શામેલ હતું. આ આંદોલન સમયે કુલ 14 જેટલા પાટીદારો મોતને ભેટ્યા હતા. આ મૃતકોને આગામી 26 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગૃપ દ્વારા યોજવામાં આવ્યો છે. ગૃપના અધ્યક્ષ લાલજી પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા અનામત સંદર્ભના મુદ્દા સરકારે પૂરા કર્યા નથી. અમે સતત રજૂઆતો કરતા હોવા છતાં ચૂંટણી સમયે જ સરકાર તરફથી અમારી નોંધ લેવામાં આવે છે. ત્યારે ચૂંટણીમાં અમારી પાસે મત એકમાત્ર હથિયાર છે. જેથી હવે જે પણ રાજકીય પાર્ટી અમારૂ સમર્થન નહીં કરે, તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.
અનામત આંદોલનમાં હવે કોઈને ચહેરો નહિ બનવા દેવાય
વર્ષ 2015માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે શાંત થઈ ગયેલા આ આંદોલનને હવે ફરી વખત સરકારની આંખો ઉઘાડવા માટે ઉગ્ર બનાવવાનું આયોજન સરદાર પટેલા સેવાદળ ગૃપ દ્વારા કરવામાં આવશે. અગાઉના અનુભવોને લઈને આ વખતે જો કોઈ આંદોલનનો ચહેરો બનવાનો પ્રયત્ન કરશે તો તેની સામે પણ પગલા લેવાની ચિમકી ગૃપના અધ્યક્ષ લાલજી પટેલે ઉચ્ચારી હતી. આ ઉપરાંત તેમણે અગાઉના આંદોલન વખતે જોડાયેલા અને હાલમાં રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નેતાઓને પણ માત્ર આંદોલનકારીઓ તરીકે બોલાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
શું લાલજી પટેલ નીતિન પટેલની બી ટીમ તરીકે કામ કરે છે?
ઉપરોક્ત પ્રશ્ન પૂછવામાં આવતા લાલજી પટેલે જણાવ્યું હતું કે, નીતિન પટેલ મહેસાણાના છે અને અમારા ધારાસભ્ય છે. એટલે તેમને સ્થાનિક પ્રશ્નોને લઈને સતત રજૂઆતો કરવામાં આવતી હોય છે. સમાજના પ્રશ્નોને લઈને તેમને મળવાનું પણ થતું હોય છે, પરંતુ આંદોલન વેગ પકડે ત્યારે સામ, દામ, દંડ અને ભેદથી અમારા લોકોને પાર્ટીમાં સમાવી લે કે પોતાની તરફ લઈ લે તો પણ અમે લડત ચાલુ રાખીશું. ભૂતકાળમાં થયેલી ભૂલો ન થાય એ બાબતોનું પણ ધ્યાન ચોક્કસ રાખવામાં આવશે અને લડત ચાલુ જ રાખીશું.
પૂંજ કમિશનનો રિપોર્ટ જનતા સમક્ષ મૂકવાની માગ
સરકાર દ્વારા ભૂતકાળમાં સમાજના વડીલોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મૃતક પાટીદાર પરિવારોને સરકારી અને અર્ધસરકારી નોકરી આપવાનું વચન પણ સરકાર ભૂલી ગઈ છે. પાટીદાર સમાજના યુવકો સામે થયેલી ફરિયાદો પણ પાછી ખેંચવામાં આવી નથી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે પાટીદાર સમાજની સંસ્થાઓ ખોડલધામ કાગવડ અને ઊંઝા ઉમિયા ધામના ટ્રસ્ટીઓને મળવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમનો પણ સહયોગ લેવામાં આવશે. પાટીદાર સમાજના અન્ય પડતર પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પૂંજ કમિશનનો રિપોર્ટ જનતા સમક્ષ મૂકવામાં આવે એવી પણ માગ તેમના દ્વારા કરવામાં આવી છે.
OBC બિલ મુદ્દે કરવામાં આવશે ચર્ચા
લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે, OBCમાં કાયદાકીય રીતે સમાવેશ માટે સમાજના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે. હાલ કેન્દ્ર સરકારે OBC બિલ પાસ કરીને રાજ્ય સરકારને મંજૂરી આપી છે. OBC પંચમાં અનામત લાભ માટે અગાઉ રજૂઆત કરી છે. સમાજના વડીલો અને બૌદ્ધિક લોકો સાથે મિટિંગ કરીને પાટીદાર સમાજને OBCમાં કાયદાકીય રીતે કઈ રીતે સમાવેશ કરવામાં આવી શકે છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે.
ગૃહપ્રધાનને મળી પાટીદારો પર લાગેલા કેસ પાછા ખેંચવા રજૂઆત કરાશે
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સામે થયેલા કેસ હજી સુધી પણ પરત લેવામાં આવ્યા નથી. જેને લઇને અમે તમામ કેસની ફાઈલ સાથે ગૃહપ્રધાનને મળીને આ તમામ કેસ પાછા ખેંચવા માટે થઈને પણ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ ફરી એક વખત રજૂઆત કરવામાં આવશે. સરકાર સત્તાનો ઉપયોગ કરીને બધા જ પ્રકારના પ્રયાસો કરી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન કોને બનાવવા ગુજરાતનો નાથ કોણ બનશે તે અંગે પાર્ટી નક્કી કરતી હોય છે, પરંતુ પાટીદાર સમાજને સમર્થન જે પાર્ટી નહીં આપે તે પાર્ટીનો બહિષ્કાર આગામી દિવસોમાં કરવામાં આવશે, તે બાબત નિશ્ચિત છે.