- ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતાં પાણીની સાથે સુખ પણ આવ્યું
- અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય)માં 94.15 ટકા ઘરમાં નળથી જળ ઉપલબ્ધ
- અનલૉકમાં ‘શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ’ ધરાવતા ગામો બન્યા
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા એ છેવાડાના ગામો છે, જે લૉકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલું ગામ છે. ગણોલ ધોળકા તાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય)માં 94.15 ટકા ઘરોમાં નળથી જળ પહોચ્યું છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત 2022 સુધીમાં ગુજરાતના 100 ટકા ઘરોને નળથી જળ પહોચાડવાનો રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે.
અમદાવાદ જિલ્લાના 364 ગામો 100 ટકા ઘરમાં નળ જોડાણ
આ સંદર્ભે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના યુનિટ હેડ આર. જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, અમદાવાદ જિલ્લાના 9 તાલુકા પૈકી બાવળામાં 86.62 ટકા, દસ્ક્રોઈમાં 98.68 ટકા, દેત્રોજમાં 99.19 ટકા, ધંધુકામાં 96.26 ટકા, ધોલેરામાં 85.52 ટકા, ધોળકામાં 96.59 ટકા, માંડલમાં 99.47 ટકા, સાણંદમાં 92.20 ટકા અને વિરમગામમાં 89.18 ટકા ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે. હાલ અમદાવાદ જિલ્લાના 364 ગામો 100 ટકા ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા 120 ગામડામાંથી 39 ગામોને 100 ટકા નળ જોડાણ ધરાવતાં કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી ગયા બુધવારે કરવામાં આવી છે.
2021 સુધીમાં અમદાવાદ 100 ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બનશે
બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, નવેમ્બર 2021 સુધીમાં અમદાવાદ જિલ્લો 100 ટકા ઘરોમાં નળ જોડાણ ધરાવતો બને તે મુજબનું આયોજન છે.
વાસ્મોએ પાણી વિતરણની વ્યવસ્થા સંભાળી
કરણગઢ ગામના રહેવાસી રામજીભાઇ કહે છે કે, મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કૂવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાન્ટમાંથી એમ રૂપિયા 5.32 લાખના ખર્ચે ગામના 145 ઘરોને નળ કનેક્શન મળ્યું છે.
'જલ જીવન મિશન'નો લક્ષ્યાંક 100 ટકા નળ જોડાણ
ઉલ્લેખનીય છે કે, 'જલ જીવન મિશન'નો લક્ષ્યાંક 100 ટકા ઘરોને નળથી જળ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું છે, પરંતુ રાજ્ય સરકારે જે આગોતરૂં આયોજન કર્યું છે, જેના પરિણામે બે વર્ષ વહેલું એટલે કે 2022માં જ ગુજરાત આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેશે. નિયમિત અને લાંબા ગાળા માટે દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં પૂરવઠો સુનિશ્ચિત કરવો તે 'જલ જીવન મિશનનું' લક્ષ્ય છે.
વાસ્મોની ભાગીદારીથી પાણી વિતરણનું માળખુ સરળ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે અમદાવાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખું તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળિયા સુધી નળથી પાણી પહોચતું થયું છે.