અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં પોતાના દેશમાં પડી રહેલી હાલાકીને લઇને લોકો એક દેશમાંથી બીજા દેશમાં શરણાર્થી તરીકે જતા હોય છે. જેને રેફયુજી તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા અને કેનેડામાં પણ મેક્સિકોમાંથી રેફયુજી આવતા હોય છે. આ ઉપરાંત જર્મનીમાં પણ પોલેન્ડમાંથી રેફયુજી આવતા હોય છે. તાજેતરમાં જ મ્યાનમારના રોહિંગ્યા મુસલમાનોના શરણાર્થીઓનો મુદ્દો આંતરરાષ્ટ્રીય લેવલે ચગ્યો હતો.
જે દેશોમાં આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોય, ખાવાના પણ ફાંફા હોય, દેશમાં આંતરયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને માનવ હકોનું ઉલ્લંઘન થતું હોય તેવા દેશમાંથી લોકો પડોશી દેશમાં સારા જીવનની આશા લઈને શરણાર્થી તરીકે જતા હોય છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં આસપાસના દેશો જેવા કે પાકિસ્તાન,બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાંથી શરણાર્થીઓ આવ્યા છે. આ તમામ લોકો પોતાના પર થતા અત્યાચારના કારણે ભારતમાં આવ્યા છે.
આવા જ અત્યાચારના ભોગ બનેલા પાકિસ્તાની શરણાર્થી અમદાવાદમાં વસવાટ કરે છે. તેમનું નામ છે ડૉ.પરબત રાય. પાકિસ્તાન જ્યારે આઝાદ થયું ત્યારે એક રિપબ્લિક દેશ હતું, પરંતુ ત્યારબાદ તેને ઈસ્લામિક ડેમોક્રેટિકમાં બદલવામાં આવ્યું. પાકિસ્તાનમાં મોટા પાયે ફૌજી રાજ ચાલતું આવ્યું છે, ત્યારે ત્યાં પહેલા કરતા પણ કટ્ટરવાદ વધ્યો છે.
હિન્દુ છોકરીઓનું અપહરણ કરવું, તેમનું ધર્મ પરિવર્તન કરવું, સગીર છોકરીઓ સાથે ગેરકાયદે રીતે વિધર્મીઓ દ્વારા લગ્ન, છોકરીઓને વેચી નાખવી, લઘુમતીઓને નોકરીની બાબતમાં હેરાન કરવા વગેરેને લઈને ત્યાંથી કંટાળીને કેટલાય લઘુમતી ભારતમાં આશરો મેળવવા આવ્યા છે. ડૉક્ટર પરબત રાયે હોમિયોપેથીમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના છે.
પરબત રાય ભારતના વિઝિટર વિઝા પર આવ્યા હતા અને અહીં જ વસવાટ કરવા લાગ્યા છે. જો કે, હજૂ સુધી તેમને ભારતની નાગરિકતા મળી નથી. તે 2013ના ડિસેમ્બર મહિનામાં ભારત આવ્યા હતા. જેથી તેમને નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા અપાવે તેવી આશા છે.
અત્યારે તેમના પરિવારમાં 7 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં 5 દિકરા પણ સામેલ છે. તેમના પરિવારના અન્ય સભ્યો પાકિસ્તાનમાં જ રહી ગયા છે. જેમાંથી કેટલાક સભ્યો પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ દ્વારા બર્બર વર્તાવ પણ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં તેઓ એક ભાડાના મકાનમાં રહે છે અને તેમના પુત્ર વિવિધ કામમાં રોકાયેલા છે.
આ અંગે પરબત રાયે જણાવ્યું હતું કે, અહીં આવ્યા બાદ તેમને લગભગ 6 વર્ષ પૂર્ણ છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાની રેફ્યુજી તરીકેનું એક લેબલ તેમના માથે લાગેલું છે. જેથી અહીં ઘણા લોકોનો વ્યવહાર ઠીક રહેતો નથી.