અમદાવાદઃ કોરોનાવાયરસને કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા અનેક સેવાભાવી લોકો આગળ આવ્યાં હતાં. પરંતુ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થતાં મોટાભાગના લોકો નોકરીએ જવા લાગ્યાં છે. ત્યારે આવા સમયે સેવા કાર્ય ઓછું થઈ રહ્યું છે. આવા સમયે અમદાવાદના બે મિત્રો મેહુલ પારેખ અને નીરવ શાહ દ્વારા કોરોનાવાયરસના દર્દીઓને ઘેરબેઠાં ટિફિન સેવા પહોંચાડવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.મેહુલ પારેખ પોતે અને તેમનો પૂરો પરિવાર કોરોના પોઝિટિવ બન્યો હતો. તે દરમિયાન તેમના સોસાયટી મેમ્બરોએ તેમને સારી સહાય કરી હતી ત્યારે તેમને એ વાતનો અનુભવ થયો કે, એવા કેટલાય લોકો હશે કે જેમની આગળ-પાછળ કોઈ નહીં હોય, તેવા એકલા વ્યક્તિઓને જમવાનું પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. તે વાતને ધ્યાનમાં લઈને મેહુલ પરીખે તેમના ધંધાદારી મિત્રોની સહાયતાથી કોરોનાવાયરસના જરૂરિયાતમંદ દર્દીઓને ઘેરબેઠાં ભોજન પૂરું પાડવાના યજ્ઞ પ્રારંભ કર્યો છે.
ઘેર જ બનાવેલું ઉચ્ચ ગુણવત્તાનું ભોજન દર્દીઓને સમયસર પહોંચાડવામાં આવે છે. અત્યારે તેઓ દરરોજા 100 ટિફિન બનાવી રહ્યાં છે. તેમનું લક્ષ્ય કોરોનાનો આ કપરો કાળ ચાલે ત્યાં સુધી આવા દર્દીઓને ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે ,આ કાર્ય સાથે સંકળાયેલા લોકોમાં કોઈ ધંધાદારી છે, કોઈ એકાઉન્ટ છે તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ આ કાર્ય માટે કોઈપણ જાતનું દાન સ્વીકારતાં નથી.તેઓ કોઇપણ જાતનું મૂલ્ય લીધા સિવાય ઓનરરી આ કાર્ય કરી રહ્યાં છે.
આ પ્રશંસનીય કાર્યથી કોરોનાના દર્દીઓ કે જેમને ટિફિન સર્વિસ મળી રહી છે, તેઓ ખૂબ ખુશ છે. દર્દીઓ દ્વારા આ સર્વિસ બદલ આભાર માનતાં અને ભોજનની ગુણવત્તાના વખાણ કરતાં મેસેજ પણ મળી રહ્યાં છે.