- ભારતમાં ઐતિહાસિક યુગથી પંચાયતોનું અસ્તિત્વ
- 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો
- પંચાયત થકી ગામના સામાન્ય વ્યકતિની સત્તામાં ભાગીદારી
અમદાવાદ: ભારતમાં પંચાયતોનું અસ્તિત્વ વૈદિક કાળથી છે. ઐતિહાસિક સમયમાં 'જનપદ' શબ્દ પંચાયતો માટે વપરાતો હતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રામ વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. બુદ્ધની જાતક કથાઓમાં પણ ગ્રામસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુપ્ત યુગમાં વ્યવસ્થિત ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી.
ગાંધીજીની ઈચ્છા
ભારતમાં આઝાદી પહેલાં જ પંચાયતોનું અસ્તિત્વ હતું. લોર્ડ રિપન ગુલામી કાળમાં ભારતના સ્થાનિક સ્વરજયના પિતા ગણાય છે. ખરા અર્થમાં પંચાયત દ્વારા સત્તા ગામડાના સામાન્ય માનવી સુધી પહોંચે છે. તે માટે સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થિત સંસ્થાઓ ભારતમાં હોય, તેવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું. જેનો ઉલ્લેખ બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થયો .પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ફરજીયાત બંધારણીય સ્વરૂપ 73માં બંધારણીય સુધારા દ્વારા અપાયું. 2010થી વડાપ્રધાન મનમોહનસિંહે 24 એપ્રિલથી પંચાયતી રાજ ઉજવવાનું નક્કી કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સમિતિઓ
આઝાદી બાદ ભારતમાં બંધારણીય રીતે સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂઆત રાજસ્થાનથી કરવામાં આવી. રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના અને સુધાર માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી. જેમાં શ્રીમન નારાયણ સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા, સમિતિ જી.વી.કે રાવ સમિતિ, હનુમંતરાય સમિતિ, એલ.એમ.સંઘવી સમિતિ અને પી.કે.થૂંગન સમિતિનો સમાવેશ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : આણંદમાં ખોટા મેસેજે દર્દીઓના સગાઓને જિલ્લા પંચાયત દોડાવ્યા
ગુજરાતમાં પંચાયતી સમિતિઓ
ગુજરાતમાં પંચાયતીરાજ ધારા 1961 મુજબ 1963 થી પંચાયતી રાજની શરૂઆત થઈ. ગુજરાતમાં પંચાયતી રાજ માટે રસિકલાલ પરીખ સમિતિ, જાદવજી મોદી સમિતિ, ડાહ્યાભાઈ નાયક સમિતિ, ઝીણાભાઈ દરજી સમિતિ, રીખવદાસ શાહ સમિતી બનાવવામાં આવી હતી. 1961ના ગુજરાત પંચાયતી રાજમાં સુધારો કરીને 1993 ગુજરાત પંચાયતી રાજ ધારો અમલમાં આવ્યો હતો.
પંચાયતી રાજના મહત્વના પથપ્રદર્શક ધારા
પંચાયતી રાજ અંગેના મહત્વના નીતિ દર્શક કાયદાઓમાં મુંબઈ વિલેજ પંચાયત પંચાયત ધારો 1920,1958. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1935, પોરબંદર વિલેજ પંચાયત ધારો 1944, ભાવનગર વિલેજ પંચાયત ધારો 1947, મોરબી વિલેજ પંચાયત ધારો 1947, બરોડા વિલેજ પંચાયત ધારો 1926, જસદણ વિલેજ પંચાયત એકટ 1942 નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક
પંચાયતીરાજ
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અનુકૂળ છે. પંચાયતમાં મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે જગ્યાઓ અનામત આપવામાં આવે છે. ફંડ અને શાસન માટે પંચાયતને સહાય આપવામાં આવે છે. પંચાયતોમાં પાણી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ વગેરે પંચાયતી રાજ સમિતિઓની દેન છે.