અમદાવાદઃ કોરોના મહામારીમાં રાજ્ય સરકાર સરકારી આંકડા છુપાવતી હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે કર્યા છે. તેમણે કહ્યું કે, કોરોના વાઇરસથી મૃત્યુ પામતા લોકોના આંકડા અને કોરોના સંક્રમિત આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીથી મૃત્યુ પામેલા લોકોના આંકડામાં અત્યંત વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે અત્યંત ઓછો મૃત્યુદર બતાવવામાં આવી રહ્યો છે, જ્યારે સ્મશાન, પ્રાઇવેટ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓમાં આંકડાનો ચિતાર કંઈક અલગ જ છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે આક્ષેપ કર્યો કે, સુરત અને વડોદરા ખાતે સરકારી આંકડા ઓછા છે. સરકારના ચોપડે વડોદરામાં 5 હજાર છે, જ્યારે અનઓફિશિયલ આંકડા 9 હજારથી પણ વધુ છે. આ ઉપરાંત મૃત્યુના આંકડા સરકાર તરફથી 93 જેટલા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અંદરખાને આ આંકડો 400થી પણ વધુ છે. આ સાથે જ સુરતમાં પણ સરકારી ચોપડે 492 મૃત્યુ નોંધાયા છે, જ્યારે સ્મશાનમાં 1200 જેટલા આંકડા જોવા મળી રહ્યા છે
વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ રાજકોટ બાદ બનાસકાંઠા વિસ્તારમાં કોરોનાના કેસના આંકડાઓમાં ઘાલમેલ સામે આવી છે. બનાસકાંઠામાં સરકારી ચોપડે ફક્ત 11એક્ટિવ કેસ છે, જ્યારે તેની હોસ્પિટલનો આંકડો કંઈક અલગ જ છે.
AAPએ શ્રેય હોસ્પિટલ અંગે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા પૂછ્યું કે, શ્રેય હોસ્પિટલ ઘટનાના 3 દિવસ થવા છતાં અહેવાલ કેમ સુપ્રત થઈ રહ્યો નથી. આ ઉપરાંત ઘટના બનાવાના ત્રણ દિવસ બાદ કેમ FIR દાખલ કરવામાં આવે છે?