કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત નાદુરસ્ત
- ભરતસિંહ સોલંકીને થયો છે કોરોના
- વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 5 દિવસથી ચાલી રહી હતી સારવાર
- તબિયત નાદુરસ્ત થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદઃ રાજયમાં કોરોના વાઇરસનો કહેર દિવસે દિવસે સતત વધી રહ્યોં છે. છેલ્લા 3 દિવસથી રોજ 600થી વધારે કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરાના ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાદુરસ્ત થવાના કારણે તેમને વધુ સારવાર માટે મોડી રીત્રે અમદાવાદ ખસેડવામાં આવશે, તેમ વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.
વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 5 દિવસથી તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરતું સોમવારે તેમની તબીયતમાં કોઈ સુધારો ન થવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખને સોમવારે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ લાવવામાં આવશે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવશે. જો કે, ભરતસિંહ સોંલકીને અમદાવાદની કઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. થોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યાં હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો જોવા મળી રહ્યો હતો. જો કે સોમવારે સાંજે ભરતસિંહ સોંલકીની તબિયત થોડી વધારે નાદુરસ્ત થઈ હતી. જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાંનું જાણવા મળ્યું હતું.