અમદાવાદઃ રાજ્યમાં 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાથી રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. જેમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઝાપટા પડી શકે છે. આ 4 દિવસ માછીમારો માટે કોઈ પ્રકારની આગાહી નથી. જેથી માછીમારો દરિયો ખેડી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 36% જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ઓગસ્ટ મહિનામાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેથી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસવાની સંભાવના છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી
- 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય
- 25 જુલાઇએ ભારે વરસાદ થવાની સંભાવના
- અત્યાર સુધી 36% જેટલો વરસાદ પડ્યો
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરામ બાદ ફરી 25 જુલાઇએ ભારે વરસાદ થવાની સંભાવના છે. અમરેલી, ગીર સોમનાથ, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ સિવાયના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ નથી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો થશે.