અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ થવાના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રવિવારે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યાં બાદ સોમવારે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખંભાત અને છોટાઉદેપુરમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે આણંદ અને નડિયાદમાં 4 ઇંચથી વધુ વરસાદ જે છે તે વર્ષોથી આ સિવાય વડોદરા જિલ્લામાં સરેરાશ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં આખો દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજે પણ વહેલી સવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ચાર-પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સોમવારે એટલે કે આજે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 13 અને 14 ઓગસ્ટે વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મેઘ મહેર યથાવત રહેશે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.