- વાલીઓમાં ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું મહત્વ વધ્યું
- શાળાઓની મંજૂરીમાં 90 ટકા અરજી અંગ્રેજી શાળાઓની
- દર વર્ષે 2થી 3 અંગ્રેજી શાળાઓને આપવામાં આવે છે મંજૂરી
અમદાવાદ : શહેરમાં શિક્ષણ ક્ષેત્રે વિપરીત પરિસ્થિતિ થતી જોવા મળી રહી છે. વધતા જતા અંગ્રેજીના ક્રેઝ અને શિક્ષણના અંગ્રેજી કરણના કારણે ગુજરાતી માધ્યમની શાળાઓના વળતા પાણી જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી શાળાઓ શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ કચેરીમાં આવેલી અરજીઓમાં 90 ટકા અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટેની અરજી હોય છે.
90 ટકા અરજીઓ અંગ્રેજી માધ્યમની
છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી મીડીયમના વધતા ક્રેઝને કારણે ગુજરાતી માધ્યમની શાળાઓમાંની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ધીરે ધીરે ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટી રહી છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા જણાવ્યું હતું કે, લોકોમાં પોતાના બાળકને અંગ્રેજી મીડીયમમાં ભણાવવાની ઈચ્છા વધી રહી છે. અમદાવાદ શહેરમાં અંદાજે 1500 શાળાઓમાંથી છે, જેમાં 550 અંગ્રેજી માધ્યમ, 700 ગુજરાતી માધ્યમ અને 150 હિન્દી માધ્યમની શાળાઓ છે. સામાન્ય રીતે પણ જે અરજીઓ આવે છે તેમાં 90 ટકા અરજીઓ અંગ્રેજી માધ્યમની હોય છે.
વર્ષે 15થી 20 વર્ગો ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટે
છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરવા માટે એક પણ અરજી આવી નથી. દર વર્ષે અંદાજે 30થી 40 અરજીઓ શાળા શરૂ કરવા માટે આવે છે, પરંતુ સરકારના વર્તમાન ધારાધોરણો પ્રમાણે માંડ 3થી 4 શાળાઓને મંજુરી આપવામાં આવે છે. ગત વર્ષે 3 અંગ્રેજી શાળા અને તેના અગાઉના વર્ષે 2 અંગ્રેજી શાળાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમના વર્ગો પણ ઘટી રહ્યા છે. દર વષે 15થી 20 વર્ગો ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ વાલીઓ કહી રહ્યા છે કે, હાલ અંગ્રેજીનું મહત્વ એટલું વધી ગયું છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જ પડે.
બાળકોને અંગ્રેજીમાં ભણાવવા વાલીઓની દોડાદોડ
હાલ અભ્યાસમાં NCERT ના કોર્સ આવી ગયા છે, જો બાળકને ગુજરાતીમાં ભણશે તો પણ ચોપડીઓમાં અંગ્રેજી જ આવવાનું છે, તો પછી ગુજરાતીની જગ્યાએ અંગ્રજી માધ્યમમાં બાળકોને કેમ ભણાવવા વાલીઓ દોડાદોડ કરી રહ્યા છે. મહત્વનું છે કે, બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ દેખાદેખીનો જ એક ભાગ છે, અન્યનું બાળક અંગેજીમાં ભણે છે તો મારું કેમ નહિ, આ વિચાર લોકોમાં જોવા મળી રહ્યોં છે, ત્યારે હાલમાં ઘણી જગ્યાએ અંગ્રેજી થઈ ગયું છે એટલે વાલીઓ પોતાના બાળકને એન્ગ્રેજી માધ્યમમાં ભણાવવા માંગતા હોવાનું સામે આવી રહ્યું છે.