- બાપુનગરની અતિથિ હોટેલમાં ખેલાયો ખૂની ખેલ
- પતિએ પત્નીનું ગળું દબાવી અને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી
- પત્નીને માર્યા બાદ પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મેહુલ સોલંકીના લગ્ન યોગીતા સોલંકી સાથે થયા હતા. થોડા સમય પહેલા જ યોગીતાના પિતાનું અવસાન થયું હતું. જેમની ઉત્તર ક્રિયા પૂર્ણ કર્યા બાદ યોગીતા તેના સાસરીમાં પરત ફરી હતી. પતિ-પત્નીની ઘરગ્રહસ્તી સારી રીતે ચાલતી હતી. તે દરમિયાન, સોમવારે મેહુલ તેની પત્નીને નાગરવેલ હનુમાન પાસે આવેલી અતિથિ હોટલમાં લઈ ગયો હતો. હોટેલમાં પ્રવેશ મેળવ્યાના 2 કલાક બાદ મહિલાની બુમો હોટલના સ્ટાફને સાંભળવા મળી હતી. હોટલના સ્ટાફે રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ખુલી શક્યો નહતો. પરિણામે હોટલ સ્ટાફ દ્વારા રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં સર્વિસ રિવોલ્વર વડે સગર્ભા પત્નીની હત્યા મામલે PSIને આજીવન કેદ
પત્નીની હત્યા કરવાનું નક્કી કરીને આવ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મેહુલ પહેલેથી જ પત્નીની હત્યા કરવાનું નક્કી કરીને આવ્યો હતો. જેથી, તે તેની સાથે છરી લાવ્યો હતો. રૂમમાં પત્ની સાથે થોડી વાર ચર્ચા કર્યા બાદ મેહુલે ઠંડા કલેજે પત્ની યોગીતાને ગળું દબાવી તેમજ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ, મેહુલે પણ પોતાના ગળાના ભાગે છરી નો ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોટેલના સ્ટાફની જાગૃતતાના કારણે મેહુલને તુરંત જ હોસ્પિટલમાં બેભાન હાલતમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે. બાપુનગર પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે પતિ મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બારડોલીના મઢી નજીક થયેલી યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હતી
બંન્ને હળી મળીને રહેતા
લગ્ન બાદ બંન્ને હળી મળીને રહેતા હોવા છતાં, મેહુલ દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તેનાથી પરિવાર પણ ચિંતિત છે. મેહુલે શા માટે પત્નીની હત્યા કરી તે માટે બાપુનગર પોલીસ દ્વારા મેહુલ અને યોગીતાના કોલ રેકોર્ડસ તેમજ પરિવારના સભ્યોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે.