- ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ
- બાળકોની વેક્સિન અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી
- હાલમાં એક વર્ગખંડમાં 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે
અમદાવાદ- રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, ત્યારે વાલીઓ પણ તૈયાર છે કે, પોતાનું બાળક હવે ઓફલાઇન શિક્ષણ મેળવે કારણ કે, ઓનલાઇન શિક્ષણમાં મુશ્કેલીઓ આવતી હતી અને તેની આડઅસર વિદ્યાર્થીઓ પર પણ જોવા મળતી હતી. ત્યારે હવે સરકાર દ્વારા બાળકોની વેક્સિન અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સરકારનો વર્ગો શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે
વાલી સ્વરાજ મંચના પ્રમુખ અમિત પંચાલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે સરકારનો વર્ગો શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકારના ઇન્સ્પેક્શન પર કોઈને ભરોસો નથી. એટલે જે ધોરણ 9થી 12ના વર્ગો ચાલી રહ્યા છે, તેનો સરકારે ટ્રાન્સફરન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવો જોઈએ અને ત્યારબાદ રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લેવો જોઈએ.
સ્કૂલ સંચાલકો અને સરકારે વિદ્યાર્થીઓની જવાબદારી લેવી જોઈએ
વાલી ધર્મેન્દ્રએ જણાવ્યું કે, અમારી પાસે સંમતિપત્રક ભરાવવમાં આવે છે, તે ખોટું છે. કેમ કે સરકારને અને સંચાલકોને સ્કૂલ શરૂ કરવામાં વધુ રસ હોય છે. તો તે લોકો જવાબદારી કેમ નથી લેતા ? ત્યારે હાલમાં છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ યોગ્ય રીતે થયું નથી. એટલે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અને પ્રેક્ટિકલ શિક્ષણ મળી રહે તે માટે વર્ગો શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સ્કૂલ સંચાલકો અને સરકારે વિદ્યાર્થીઓની જવાબદારી લેવી જોઈએ.
અમે વિદ્યાર્થીઓને જૂની SOP પ્રમાણે પ્રવેશ આપીશું- ભાસ્કર પટેલ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, અમે વર્ગો શરૂ કરવાને લઈને તૈયાર છીએ, પરંતુ સરકાર દ્વારા 6થી 8ના વર્ગો શરૂ કરવાને લઈને કોઈ SOP બહાર પાડવામાં આવી નથી. અમે વિદ્યાર્થીઓને જૂની SOP પ્રમાણે પ્રવેશ આપીશું. ત્યારે દરેક ટીચિંગ સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવશે તેમજ ટેમ્પરેચર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને એક બીજાનો નાસ્તો કરવો જેવી બાબતોનું સ્કૂલ દ્વારા ધ્યાન રાખવામાં આવશે.
હાલમાં તો સ્કૂલોમાં 45થી 50 ટકા જ હાજરી જોવા મળી રહી છે
હાલમાં એક વર્ગખંડમાં 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. પરંતુ સરકારે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કર્યાની જાહેરાત કરી છે, પણ તેની SOP પણ જાહેર કરવી જોઈએ. ત્યારે હાલમાં તો સ્કૂલોમાં 45થી 50 ટકા જ હાજરી જોવા મળી રહી છે. કારણ કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને વાલીઓમાં એક ચિંતા ફરી વળી છે. ત્યારે સ્કૂલ દ્વારા વાલીઓ પાસે સંમતિપત્રક ભરાવવામાં આવશે. એટલે કે સ્કૂલો વિદ્યાર્થીઓની જવાબદારી વાલીઓની માથે ધોળી રહી છે.