અમદાવાદઃ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં દાખલ કરવામાં આવેલી અરજી કે જેમાં હાર્દિક પટેલ અને અન્ય ચાર લોકો સામે અરજી પરત ખેંચી લેવાની માગ ફગાવી દીધી છે. નોંધનીય છે કે, અગાઉ મેજિસ્ટ્રેટે પણ રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ રાજ્ય સરકારે અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પડકારી હતી.
હાર્દિક પટેલ અને અન્ય ચાર લોકો સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં રાજ્ય સરકારે આ ગુનો પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી હતી. જો કે, તે ફગાવી દેવામાં આવી હતી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમગ્ર શહેરમાં હિંસાના બનાવો બન્યા હતા તેના પડઘા બોપલ વિસ્તારમાં પણ પડ્યા હતા અને સરકારી બસ સહિત કેટલીક સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારબાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના ગુના નોંધાયા હતા.