અમદાવાદઃ શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે ધન્વંતરી રથ 104, ઘરઆંગણે ડોક્ટરની સેવા, સંજીવની વાન જેવાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર દ્વારા અન્ય રાજ્યોમાં પણ આવા પગલાં લેવાની ભલામણ કરાઇ હોવાનો દાવો તંત્ર કરી ચૂક્યું છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા ગત 15 જુલાઇએ કોરોનાથી ફફડાટ અનુભવીને સર્જાયેલી માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં લોકોને મદદ મળે તે માટે કોરોના સાંત્વના નામની 1100 નંબરની નવી હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ આ હેલ્પલાઇન નંબર સીધા મનોચિકિત્સક પાસે ન જતા હોવાથી કોલરને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે આખરે કોર્પોરેશનને હેલ્પલાઇન નંબર બદલવાની ફરજ પડી છે.
હવે માનસિક સારવાર કે માર્ગદર્શન મેળવવા માટે 14499 નંબર ડાયલ કરવાનો રહેશે. ગત 15 તારીખના રોજ મહાનગરપાલિકા દ્વારા સાંત્વના હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે સ્વતંત્ર લાઇન નથી. 1100 પર કોલ કરવામાં આવે છે, ત્યારે કોલ એટેન્ડ કરનારા વ્યક્તિ વિવિધ પ્રશ્નો કરે છે અને જ્યારે માનસિક સ્થિતિ અંગે કહેવામાં આવે ત્યારે કોલ ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે ત્યાં સુધી કોલ કરનારાનો સમય બગડે છે. પરિણામે આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.