- સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય
- પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનર સંભાળશે જવાબદારી
- મહાપાલિકાના કમિશનરો રોજીંદી કામગીરી કરશે
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત 13 ડિસેમ્બરના રોજ પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરો જ રોજબરોજની કામગીરી કરવાના આદેશ કર્યા છે.
અધિકારીઓ નીતિવિષયક નિર્ણયો નહીં લઇ શકે
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો આવી રોજિંદી કામગીરી જ સંભાળશે. આ સમય દરમિયાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી.
નવી પાંખની પ્રથમ બેઠક સુધી અધિકારીઓ પાસે રહેશે જવાબદારી
મુખ્યપ્રધાન વિજય રુપાણીના આદેશ મુજબ 6 મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ, ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો રોજબરોજની કામગીરીનું વહન કરવાનું રહેશે.
નાગરિકોની સુખાકારીના કાર્યો જાળવવા લેવાયો નિર્ણય
મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.