- ચાંદખેડામાંથી કોલ સેન્ટર પકડાયું
- પાંચ યુવાનોની ધરપકડ કરાઈ
- ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડે ચાંદખેડામાંથી કોલ સેન્ટર ઝડપ્યું
અમદાવાદઃ શહેર કોલ સેન્ટર દ્વારા ઠગાઈ આચરવાનું હબ બની ગયું હોય તેવું લાગે છે. હજી હમણા જ નિરવ રાયચુરા નામના વ્યક્તિની કોલ સેન્ટર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી બીજા 25 કોલ સેન્ટર સ્કેમની લિંક મળી છે. તેના પછી ચાંદખેડા તપોવન સર્કલ પાસે એમ્પોરિયા કુંજ કોમ્પલેક્સમાં છઠ્ઠા માળે ચાલતા કોલ સેન્ટરમાં દરોડો પાડીને પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.
સ્કવોડે દરોડા પાડી 5 યુવકોની ધરપકડ કરી
ચાંદખેડાના તપોવન સર્કલ પાસે એમ્પોરિયા કુંજ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે ચાલતા કોલ સેન્ટરમાં ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડે દરોડા પાડી 5 યુવકોની ધરપકડ કરી હતી. અમેરિકન નાગરિકોને કોમન બનાવટી નામ ધારણ કરી કોલ કરતા શખ્સો સોશિયલ સિક્યુરિટી નંબર કાર્ડ અંગે ધાકધમકી આપી નવું કાર્ડ કઢાવવા ફી પેટે પૈસા પડાવી ઠગાઈ આચરતા હતા.
કોણ છે આરોપીઓ
પોલીસે કોલ સેન્ટર ચલાવતા 5 યુવકોની ધરપકડ કરી જેમાં અક્ષય ઉધનભાઈ ભાવસાર, ઓસ્ટીન માઈકલ નાદર, પ્રિન્સ સર્વેશ ગુપ્તા, આદિત્ય મહેશ વિરાણી અને અમિત અશોક ચચલાણોનો સમાવેશ થાય છે.
કેટલો છે મુદ્દામાલ
પોલીસે સ્થળ પરથી 8 લેપટોપ, 6 ઈયર ફોન હેન્ડ સેટ, 6 માઉસ, 8 લેપટોપ ચાર્જર, 2 રાઉટર, 2 લેન્ડ કનેકટિંગ બોર્ડ, 6 મોબાઈલ ફોન અને રોક 4 હજાર મળી કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઝોન 2 DCPએ શું જણાવ્યું ?
ઝોન 2 ડીસીપી વિજય પટેલએ જણાવ્યું કે, આરોપીઓએ 20 દિવસથી ઓફિસ ભાડે રાખી કોલ સેન્ટર શરૂ કર્યું હતું. વીસી ડાયલર એપ્લિકેશન પ્રોસેસ દ્વારા આરોપીઓ અમેરિકાના હોવા છતા અમેરિકન નાગરિકોને બનાવટી નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપતા હતા. બાદમાં તમારા સોશિયલ કાર્ડનો મિસયુઝ થયો છે. પોલીસની હેરાનગતિ થશે, તમારે નવું સોશિયલ કાર્ડ કઢાવવું પડશે તેમ કહી ઠગાઈ આચરતા હતા.