- અઠવાડિયા અગાઉ બાળકીને ત્યજી દેવાઈ હતી
- બાળકીને ત્યજી દેનાર 2 આરોપી ઝડપાયા
- 200 CCTV ફૂટેજ તપાસીને પોલીસે આરોપી ઝડપ્યા
અમદાવાદ : શહેરના મણિનગર પાસે અઠવાડિયા અગાઉ ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ પોલીસ તપાસમાં સી.સી.ટી.વી. ફુટેજમાં એક રિક્ષાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે આ ફુટેજને લઇને જુદા-જુદા વિસ્તારમાંથી 200થી વધુ સી.સી.ટી.વી. ફુટેજ તપાસ્યા હતા અને ફતેવાડીમાં રહેતા રિક્ષાચાલક મુસ્તફા અજમેરી સુધી પહોંચી. રિક્ષા ચાલકની પૂછપરછમાં બાળકને ત્યજી દેવાનો ભેદ ઉકેલાયો. આ બાળકને રાજસ્થાની મહિલા લાવી હોવાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
મહિલા તથા રિક્ષા ચાલકના નિવેદન અલગ-આલગ
પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને બાળકી અંગે પૂછપરછ કરતાં બંનેના નિવેદન અલગ-અલગ સામે આવ્યા છે. જેમાં મહિલા આરોપીઓએ જણાવ્યું હતું કે, આ દસ દિવસનું બાળક તેને સી.ટી.એમ. નજીક એક બસ સ્ટેન્ડ પાસેથી મળ્યું હતું. બાળકને ત્યજી દેવાની સલાહ રિક્ષા ચાલક મુસ્તાફે આપી હતી.
માતા-પિતાની હજુ સુધી કોઇ ખબર મળી નથી
પોલીસને આરોપીને પકડવામાં સફળતા તો મળી છે પરંતુ બાળકીના માતા-પિતા સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને માતા-પિતા સુધી પહોંચવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.