અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસથી કોંગ્રેસ દ્વારા કવાયત ચાલતી હતી, ત્યારે બુધવારે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને નામ તૈયાર કરાયા છે. સ્થાનિક કક્ષાએ જેમનું પ્રભુત્વ હશે તેમને જ ટિકિટ મળશે. ઉમેદવારો સ્થાનિક લોકોએ જ નક્કી કર્યા છે.
તેમણે વધુમા જણાવ્યું કે, બે અને ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, અમે સ્થાનિક મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈશું. પ્રજા અને પક્ષ સાથે બળવો કરનારાને લોકો ઘરે બેસાડશે. કોંગ્રેસ તમામ 8 બેઠકો જીતશે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારોની નિરીક્ષકો સાથે બુધવારે બેઠક યોજાઇ હતી. ગઇકાલે મંગળવારે યોજાયેલી બેઠકમાં પાંચ બેઠકો અબડાસા, કરજણ, મોરબી, લિંબડી, ગઢડાની પેનલના નામોની ચર્ચા પૂર્ણ થઇ હતી. આજે બુધવારે કપરાડા, ડાંગ તથા ધારીની બેઠક પરના ઉમેદવારોની શોધ માટેની ચર્ચાઓ નિરીક્ષકો સાથે થઇ હતી. જેમાં નિરીક્ષકોની સેન્સ લેવામાં આવી હતી. આ બેઠકો પરના ઉમેદવારના નામની પસંદગીની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. હવે તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અબડાસા, કરજણ, ધારી, મોરબી, કપરાડા, ડાંગ, ગઢડા તથા લીંબડીના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતાં બેઠકો ખાલી પડી હતી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેટા ચૂંટણીના જિલ્લા તથા તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.