ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી 23 માર્ચ દરમિયાન લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 25 મે, શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 5.33 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. શનિવારે સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ બપોર સુધીમાં શાળાઓ પર ધો.12 ની માર્કશીટ પણ મોકલી દેવાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા 7 માર્ચથી 23 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 5,33,626 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં 3.59 લાખ નિયમિત વિદ્યાર્થી અને 95 હજાર કરતા વધુ રિપીટર વિદ્યાર્થી હતા. આ ઉપરાંત ખાનગી નિયમિત અને રિપીટર મળીને પણ 71 હજાર કરતા વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીએ સારા પરિણામની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 1548 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 6 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધો.12 કોમર્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી..
દરમિયાન પરિણામને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જતા હવે બોર્ડ દ્વારા 25 મેના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ ધો.12ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી કરવામાં આવશે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં માર્કશીટનું વિતરણ બપોરે ૩ થી સાંજે 6 દરમિયાન સુધી કરાશે. 2018માં ધો.12 સામાન્ય પ્રવાહમાં 4.76 લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
2018માં ધો.12 સામાન્ય પ્રવાહનું એકંદરે 55.55 ટકા પરિણામ આવ્યું હતું. જોકે, આ વખતે પરિણામ 55 ટકા આસપાસ જ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વર્ષે 100 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા 206 હતી. જોકે, તેમાં ઘટાડો થાય તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જ બોર્ડના તમામ પરિણામો જાહેર થઈ જશે. બોર્ડ દ્વારા આ વખતે ત્રણેય પરિણામો વહેલા જાહેર કરવામાં આવ્યા છે. ધો.12 સામાન્ય પ્રવાહનું ગત વર્ષે 31 મેના રોજ પરિણામ જાહેર કરાયું હતું. જોકે, આ વખતે પરિણામ એક સપ્તાહ વહેલું જાહેર થઈ રહ્યું છે.