અમદાવાદ: અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમને તેમના પુત્ર અને પુત્રવધુ માનસિક રીતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યા છે.
70 વર્ષના વૃદ્ધ પિતા અને પુત્ર પત્ની સાથે મળી ઘરમાંથી ધક્કા મારી બહાર કાઢી મૂક્યા હતા. પુત્રએ પિતાને ધમકી પણ આપી હતી કે, ફરી આવ્યા તો તમારા હાથ-પગ તોડી નાખીશું. લાચાર વૃદ્ધે આખરે બહેનના ઘરે આશરો લેવો પડ્યો છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં લાચાર બાપે પુત્ર- પુત્રવધુ વેવાઇ અને વેવાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પિતાએ પુત્ર અને પુત્રવધૂના વર્તન અંગેની રજૂઆત સાંભળી પોલીસ સ્ટાફ પણ થોડાક સમય માટે આંચકો ખાઈ ગયો હતો.
ઓઈલ કંપનીમાં ફરજ બજાવતા આ વૃદ્ધે મણિનગર ખાતે તેમના સાળાના નામ પર મકાન લીધું હતું. આ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે મકાન વેચી પુત્રને 13 લાખથી વધુની રકમ આપી હતી. જે રકમમાંથી વૃદ્ધના પુત્ર એ મકરબા ખાતે પોતાની પત્નીના નામે ફ્લેટ લીધો હતો.
છ માસ અગાઉ વૃદ્ધના પત્નીનું અવસાન થયું હતું તે પછી પુત્ર અને પુત્રવધુ વૃદ્ધને સારી રીતે રાખતા ન હતા. જે કારણે અવારનવાર તેઓ કંટાળીને ઘર છોડીને જતા રહેતા. તેઓ કાયમ માટે જ ઘર છોડીને જતા રહે તેવું વર્તન તેમની સાથે કરવામાં આવતું હતું. આ અંગે વૃદ્ધે પોતાના પુત્રને અને પુત્રવધૂને સમજાવતા કહ્યું હતું કે, મને સારી રીતે રાખો, હું આ ઉંમરે ક્યાં જઉ તેમ કહી પોતાની લાચારી વ્યક્ત કરી હતી.
પુત્રવધુએ વૃદ્ધને ધમકી આપી હતી કે, તમે ઘર છોડી નહિ જાઓ તો હું તમારા વિરુદ્ધ મને હેરાન કરો છો તેવી ફરિયાદ કરીશ. આથી ડરી ગયેલા વૃદ્ધે બનાવની જાણ તેમની ભાણીના પુત્ર અને તેના મિત્રને કરી હતી. આ ઘટનાને પગલે વૃદ્ધ પિતાને પુત્ર, પુત્રવધુ, વેવાઈ અને વેવાણે ભેગા મળી ધક્કા મારી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આથી લાચાર અને કંટાળી ગયેલા વૃદ્ધે તેમની બહેનના ઘરે આશરો લીધો હતો.
આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.