- ઑક્સિજન ઘટતા દર્દીઓના પરિવારો મુંજાયા
- રાહત હવે ઑક્સિજન સિલિન્ડર આપતી સંસ્થાઓ પાસે પણ નથી સ્ટોક
- હોસ્પિટલમાં ઑક્સિજનની માંગ વધતા સામાન્ય દર્દીઓ રઝળી પડ્યા
અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઇને, રાજ્યની મોટાભાગની હોસ્પિટલો ફુલ થવાની તૈયારીમાં છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં આવે તો, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં માત્ર ગણતરીના જ બેડ ખાલી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં જે દર્દીઓની સ્થિતિ ક્રિટિકલ મળી રહી છે. એવા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જે દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. તેવા, દર્દીઓને ઘરે જ હોમ આઇસોલેટ રિપોર્ટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શિવપુરીમાં વોર્ડ બોય દ્વારા જિલ્લાની કોરોના દર્દીનું ઓક્સિજન કાઢી નાખવામાં આવ્યું
હોસ્પિટલોમાં સતત ઑક્સિજનની ઘટ
જે દર્દીઓનું ઑક્સિજન લેવલ 92 અથવા તો તેની નીચે હોય તેવા દર્દીઓને ઑક્સિજનની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. તેવા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પરંતુ, કોરોનાની બીજી લહેરમાં ઑક્સિજન સિલિન્ડરની ખૂબ જરૂરિયાત ઊભી થઇ છે. અમદાવાદમાં માત્ર 5 કંપનીઓ ઑક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. આ સાથે, અમદાવાદમાં રોજના 2500થી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે, હોસ્પિટલોમાં સતત ઑક્સિજનની ઘટ રહી છે. તેવામાં ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે, સામાજિક સંસ્થાઓ રાહતના ભાવે દર્દીઓને ઑક્સિજન સિલિન્ડર પૂરા પાડે છે.
સંસ્થાઓ પાસે બધા સિલિન્ડરો ખાલી
અમદાવાદની સામાજિક સંસ્થાઓ દ્વારા માત્ર 5 રૂપિયાના દૈનિક ભાડા સાથે ઑક્સિજન સિલિન્ડર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આપવામાં આવે છે. પરંતુ, કોરોનાની મહામારીમાં સંસ્થાઓ પાસે બધા સિલિન્ડરો ખાલી થઈ ગયા છે. તમામ ઑક્સિજન મશીનરી દર્દીઓને વપરાશ માટે આપી દેવામાં આવ્યા હોવાથી માંગમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સરપ્રાઈઝ વિઝીટ, સિવિલ હોસ્પિટલમાં 50 ઑક્સિજન બેડ વધારાશે
ભાવ વધારો કરવામાં આવ્યો નથી
સામાજિક સંસ્થાઓના વહીવટકર્તાઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર, ઑક્સિજન પૂરું પાડતી કંપનીઓ પાસે જેટલા સિલિન્ડરો મોકલવામાં આવે છે. તેના કરતાં માત્ર 50% સિલિન્ડર જ ભરીને આપવામાં આવે છે. ઑક્સિજન પૂરો પાડતી કંપનીઓ દ્વારા ઑક્સિજનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ, ટ્રસ્ટને આપવામાં આવતા ઑક્સિજનમાં કોઇપણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જેથી ટ્રસ્ટ પાસેથી વપરાશમાં લેતા ઑક્સિજન સિલિન્ડર પર કોઈપણ જાતના ભાવ વધારાની અસર થઇ નથી.