અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના ઝપેટમાં સામન્ય લોકોની સાથે નેતાઓ પણ આવી રહ્યા છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ સોલંકી સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાઇરસનો શિકાર બન્યા હતા. જેને લઈ બાપુને અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સોમવારના રોજ તેમણે કોરોનાને મ્હાત આપી છે અને ડિસ્ચાર્જ થયા છે. 79 વર્ષના પૂર્વ મુખ્યપ્રધાનને કોરોના થતા પહેલાં ઘરમાં હાઉસ ટ્રીટમેન્ટ આપવાની તૈયારીઓ કરાઈ હતી, પરંતુ તબિયત લથડતા બાપુને સ્ટર્લિંગમાં લાવવામાં આવ્યા હતા.
સોમવારના રોજ હૉસ્પિટલમાંથી બાપુને તાળીઓના રણકાર વચ્ચે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જાહેર જીવનના ચેમ્પિયન અને રાજકારણમાં એક્કો ગણવામાં આવતા એવા બાપુએ કોરોના વિશે ચોંકાવનારૂં નિવેદન પણ આપ્યું હતું. શંકરસિંહે એક વીડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે 'આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું. મારા ડૉક્ટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ'