અમદાવાદ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 2 ઓક્ટોબરે શ્રમદાન બાદ સ્વચ્છતા પખવાડિયાને પૂર્ણ જાહેર કરાયું હતું. વિભાગીય રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા, અધિક વિભાગીય રેલ્વે મેનેજર પરિમલ શિંદે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન દિપકકુમાર ઝાએ પોતાના સંબોધનમાં પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતામાં વધુ સુધારો કરવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી. આ સમગ્ર પખવાડિયા દરમિયાન દરરોજ એક થીમનું આયોજન કરવામાં આવતું હતું અને આ સમયગાળામાં કુલ 40 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તમામ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 5 ટન પ્લાસ્ટિક કચરો, 14 ટન સુકો કચરો અને 21 ટન ભીનો કચરો સામેલ હતો. આ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે વધારાની ડસ્ટબિનની 250 જોડી ઉપલબ્ધ કરવામાં આવી હતી અને 'નો પ્લાસ્ટિક'ની થીમ પર કામ કરવામાં આવ્યું હતું.
દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, સ્વચ્છતા પખવાડિયા દરમિયાન એન્ટી લિટરિંગના 171 બનાવ બન્યા હતા અને 25,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિભાગની 208 રેલ્વે કૉલોનીમાં 5,000થી વધુ રેલ્વે ઘરોમાં અને 75 કૉલોનીમાં ફોગિંગ સ્પ્રે છાંટવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ત્રણ વેબિનાર્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે 2,500 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોએ ભાગ લીધો હતો.
અમદાવાદ મંડળથી દોડતી કુલ 7 ટ્રેનોને સારી રીતે સાફ કરવામાં આવી હતી અને પ્રવાસીનો પ્રતિસાદ પણ લેવામાં આવ્યો હતો.
આ સ્વસ્છતા અભિયાન સ્થાનિક રહેવાસીઓના સક્રિય સહયોગથી મંડળની કુલ 310 રેલ્વે કૉલોનીમાં સફળ રહ્યું હતું. આ સાથે જ કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને પગલે 'નો પ્લાસ્ટિક' ગ્રીન ઇનિશિયેટિવ અને ઓનલાઇન બાળ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.