- પોલીસ કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો જોડાયો
- રથયાત્રાનો સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો
- તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ રિહર્સલમાં જોડાઈ
અમદાવાદ : સોમવારે અષાઢી બીજ નિમિત્તે નિકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને આજે શનિવારે પોલીસ તેમજ અર્ધસૈન્ય બળો દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસ કમિશનર દ્વારા રૂટમાં જે ખામીઓ આવતી હતી તેને દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે કરફ્યૂના દિવસે ઇમર્જન્સી સેવા માટે પોલીસના દ્વારા તેમને રસ્તો કરી આપવામાં આવશે.
સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
આ રિહર્સલમાં 42 DCP, 74 ACP, 230 PI, 607 PSI અને 11,800 પોલીસ કોન્સ્ટેબલો જોડાયા હતા. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા રૂટ પર કોઈને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે અને લોકોને ઘરે બેઠા બેઠા રથયાત્રા નિહાળવા સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે જે લોકો જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારમાં RAF તેમજ SRP ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.