- રામોલમાં રેમડેસીવીરના ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીને ઝડપાયા
- હોસ્પિટલના કર્મચારી પાસેથી ઈન્જેકશન ખરીદતા હોવાનું સામે આવ્યું
- દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શનની કાળા બજારી કરતા
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે લોકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે, દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસીવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. આ જ સમયે, અમદાવાદમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીઓની ઇન્જેક્શન સાથે રામોલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળ્યા બાદ રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓને 4 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સોમાંથી ઇન્જેક્શન ખરીદનાર 2 આરોપીઓ શશાંક અને નિલે હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા. શશાંક અને નિલ બન્ને 26000 રૂપિયામાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે, વિકાસ અને પ્રવીણ આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન વિસ્તારમાંથી રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી કરતા ચાર શખ્સ ઝડપાયા
ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફની શોધખોળ
રામોલ પોલીસની તપાસ કરી રહી છે કે, શશાંક અને નિલને ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે, રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ એ ઇન્જેક્શન છે જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી. એટલે કે જ્યારે, પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે. ત્યારે, જરૂરિયાત પ્રમાણે રેમડેસીવીર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે. આ બાદ, વધેલા ઇન્જેક્શન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે. પરંતુ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: પ્રેમી પંખીડાઓની જુગલબંધી, રેમડેસીવીરને બદલે સામાન્ય ઇન્જેક્શન આપી દર્દીઓ સાથે ઠગાઈ