અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ ઈસ્કોન મંદિરમાં છેલ્લા આઠ દિવસથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે રવિવારે રામનવમીના દિવસે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન શ્રીરામના ભજન કીર્તનમાં ભક્તો સરી પડ્યા હતા અને તેમનામાં મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઇસ્કોન મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાનની મૂર્તિઓને દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળ સહિત અનેક વસ્તુઓથી વધાવવામાં આવ્યા હતા.
પુષ્પવર્ષા અને શંખનાદ સાથે આશરે 12:30 કલાકે મહાઆરતીની શરૂઆત થઈ હતી. 'હરે ક્રિષ્ના હરે રામા'ના નાદ સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠયું હતું. ઉપસ્થિત તમામ ભક્તો ભગવાન શ્રીરામના ભક્તિમાં લીન થઈ ગયા હતા. રામનવમીના આ પવિત્ર પર્વ પર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરે ભગવાનના દર્શન, આરતીનો લાભ અને મહાપ્રસાદનો આનંદ લેવા મંદિરે પહોંચ્યા હતા અને અત્યંત ભક્તિભાવપૂર્વક શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.