અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોવિડ કરે સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલમાંથી કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ કબજે કરી છે. ઉપરાંત હોટેલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર પણ મળી આવ્યો છે. જે કોરોના નેગેટિવ છે.
વસ્ત્રાપુર પોલીસ હોટલનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન બોડકદેવમાં આવેલી જીંજર હોટલ ચેક કરવા માટે પોલીસ ગઈ હતી. આ સમયે હોટલના મેનેજર શુભમ પાઠકને સાથે રાખીને પોલીસ તમામ હોટલના રૂમ તપાસી રહી હતી. આ દરમિયાન બીજા માળે રૂમ નંબર 208માં જઈને તપાસ કરતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો.
પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી, ત્યારે ત્યાં સેટી ઉપર એક વિદેશી દારૂની બોટલ પોલીસને મળી આવી હતી. પોલીસે તે વ્યક્તિને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જણાવી પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું, જ્યારે રૂમમાં હાજર બીજા વ્યક્તિએ પણ પોતે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ બન્ને શખ્સ જય પટેલ અને આકાશ પટેલની અટકાયત કરી હતી.
પોલીસ દ્વારા આ અંગે કોર્પોરેશને પણ રિપોર્ટ આપીને જાણ કરવામાં આવી છે, ત્યારે હોટલના રૂમમાં દારૂ ક્યાંથી પહોંચ્યો તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.