મળતી વિગતો મુજબ, આરોપી પવનસિંહ શહેરની એક ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. જે કંપનીમાં તેને માર્કેટિંગ કરતો હતો એ સમયે તે કંપનીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ આરોપી પવનસિંહ પાસે રહેતો હતો પરંતુ, ફરજમાં તેની કામગીરી યોગ્ય ન હતી તેમજ ગેર વર્તણુકના કારણે તેને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.
આ કારણે આરોપીએ કંપનીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી દીધો હતો. જે અંગેની જાણ કંપનીના માલિકને થતાં તેમના દ્વારા સાયબર સેલ ખાતે ફરિયાદ આપતા ફેસબુક એકાઉન્ટ ક્યાંથી ઓપરેટ થઇ રહ્યું છે તે અંગેની વિગતો મેળવી આરોપી સુધી પોલીસ પહોંચી તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન હકીકત સામે આવી છે કે, તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો જેથી કંપની સામે બદલો લેવા માટે તેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. તેનો ઈરાદો હતો કે જો પાસવર્ડ બદલી દેવામાં આવે તો કંપનીનું ઓનલાઈન માર્કેટિંગ અટકી જાય અને કંપનીને નુકશાન થાય જેથી તેના દ્વારા પાસવર્ડ બદલી દેવામાં આવ્યો હતો. હાલમાં સાયબર સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.