- કોરોનાનું સંક્રમણ થાય ત્યારે સાયનસનું ઈન્ફેક્શન થાય છે
- મ્યુકોરમાઇકોસીસની સમયસર સારવાર ન થાય તો ઘાતક સાબિત થઈ શકે છે
- 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે
અમદાવાદ: કોરોના વાયરસ કોમોર્બિડ (ડાયાબિટીસ, બ્લડ પ્રેશર) જેવી અગાઉથી બીમારી ધરાવતા લોકો માટે ગંભીર સાબિત થયો છે. ડાયાબિટીસ ધરાવતાં દર્દીઓ ખાસ કરીને 50 વર્ષથી વધારાની ઉંમર ધરાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે તેમને સાયનસનું ઈન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઈન્ફકેશનથી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેને "મ્યુકોરમાઇકોસીસ" કહેવામાં આવે છે. ડાયાબિટીસ દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ (mucormycosis) કેમ સંવેદનશીલ છે તેના વિશે જાણીએ...
ઈન્ફેક્શનનું ઝેર આંખમાં ફેલાય છે
આ ઈન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટિક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઈન્ફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે, જેના કારણે ઝેરી તાવ આવે છે અને દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.
નાક વાટે ફંગસ વધે તો આંખ પર સોજો આવે
ખેડબ્રહ્માના ઊંચી દલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણને નાક વાટે ફંગસનું ઈન્ફેકશન વધી જતાં તેમને આંખ પર સતત સોજો રહેતો હતો. ધીમે ધીમે તેઓ આંખથી કંઈ પણ જોઈ શકવા માટે અશક્ત બની ગયા હતા, જે કારણોસર પરિવારજનો ચિંતાતુર બનીને તેમને ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, પરંતુ ત્યાં નિદાન શક્ય ન બનતા તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સિવિલ હોસ્પિટલ લાવતા ખબર પડી કે અસ્મિતાબહેનને ફંગસનું ગંભીર ઈન્ફેકશન થયું છે, જેને મ્યુકોરમાઇકોસીસ કહે છે. જે નિયંત્રણ બહાર ફેલાઈ ગયું હતું, જે કારણોસર તેમની સર્જરી કરવામાં આવી હાલ તેઓ સ્વસ્થ છે.
જાણો... સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ શું કહે છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે કે, અમારે ત્યાં 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ બીમારીના ગંભીર લક્ષણો સાથે ઘણાય દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે, તે તમામ દર્દીઓની અમારી હોસ્પિટલની ઈ.એન.ટી. વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે.