અમદાવાદ: શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ખુબ જ વધારે છે. જેને લઈ તંત્ર દ્વારા તમામ દુકાનો બંધ કરી દેવાનો આદેશ આપી દેવાયો છે. અમદાવાદમાં માત્ર દૂધની અને દવાઓની દુકાનો ખોલવાનો આદેશ છે. હાલ અનેક લોકો જે ખાસ કરીને વ્યસનીઓ છે, તે લોકો માટે મસાલા, બીડી, સિગારેટ જેવી વસ્તુઓ મળવી ખુબ જ મુશ્કેલ બની રહી છે. તેવામાં અમદાવાદમાં સોલા વિસ્તારમાં એક ડેરી પાર્લરમાં પાન-મસાલા અને બીડી-સિગારેટ વેચાતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે સોલા પોલીસે કાર્યવાહી કરી અને ત્યાંથી પોલીસે જથ્થાબંધ અલગ અલગ વસ્તુઓ કબ્જે કરી 4 લોકોની ધરપકડ કરી છે.
![Pan-masala trade under the guise of milk, 4 house arrests in ahmadabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-18-panmasala-photo-story-7204015_11052020172238_1105f_1589197958_378.jpg)
પોલીસને માહિતી મળી હતી અને તેના આધારે રેડ પાડવામાં આવી હતી. નોંધનીય છે કે, હાલ જે રીતે પાન-મસાલા પર પ્રતિબંધ છે, પરંતુ છુપી છુપી જે લોકો આવી વસ્તુઓ વેચી રહ્યાં છે. તેઓ 4 ગણા ભાવ લઈ રહ્યાં છે. જે વસ્તુની કિંમત 10 છે તેના 70 રૂપિયા સુધી ભાવ લેવામાં આવે છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં વધતા જતા કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે AMC કમિશ્નરનો ચાર્જ સંભાળનાર મુકેશ કુમારે, 15 મે સુધી અમદાવાદમાં દવા અને દૂધ સિવાય તમામ દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, આ પ્રતિબંધની આડમાં કેટલાક દૂધના વેપારીઓ તમાકુ, પાન-મસાલા અને સિગારેટનું વેચાણ કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સાથે પોલીસ દ્વારા પણ કાર્યવાહી ચાલુ જ છે.