- રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે કમોસમી વરસાદ
- માવઠાનું સંકટ આવતા જગતનો તાત મુશ્કેલીમાં
અમદાવાદ:રાજ્યમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનું જોર ઘટ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની મોટી આગાહી (Forecast by the Meteorological Department)કરવામાં આવી છે. ફરી એક વાર ગુજરાતમાં માવઠાનું સંકટ મંડરાતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી 2 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. 1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 2 ડિસેમ્બરે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા અને માછીમારોને આજથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.વરસાદના કારણે ખેડૂતોને પાક સહીસલામત જગ્યા પર મુકવા માટે પણ સૂચના અપાઈ છે. પાકને નુકશાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.ખેતરોમાં નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચન પણ કરવામાં આવ્યું છે.
માછીમારો માટે 5 દિવસની ચેતવણી
IMD અનુસાર ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.માછીમારોને 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.
કઈ તારીખે ક્યાં પડશે ભારે અતિભારે વરસાદ
આજથી દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે.પહેલી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બીજી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. કેટલાક ખરીફ પાકો કાપણીના તબક્કે છે ત્યારે વરસાદની આગાહીના પગલે ખેડુતોએ કાળજી લેવી જરૂરી છે.
વધુ વાંચો :
વાપીમાં કમોસમી વરસાદમાં રાજકીય પક્ષના ચૂંટણી કાર્યાલયો થયા વેરવિખેર
કમોસમી વરસાદની લપેટમાં કપાસનો પાક ન આવી જાય તે માટે ઓલપાડ સહકારી વિભાગ લાગ્યું કામે