- અમદાવાદમાં ચૂંટણીનું મતદાન પહેલા કોંગ્રેસમાં બળવો
- જીલ શાહને કોંગ્રેસમાં ટિકિટ ન મળતા કાર્યકરોએ પાર્ટીમાં ધર્યા રાજીનામા
- દરિયાપુરમાં મોટી સંખ્યમાં લોકોએ ધરી દીધા રાજીનામા
અમદાવાદ: સ્થાનિક કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવામાં આવતા અમદાવાદના દરિયાપુર વોર્ડના 500 જેટલાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા છે. તેમની સાથે દરિયાપુરના ઝીલ શાહે પણ અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરવાની સાથે જ કોંગ્રેસને આંતરિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેને જોતા કોંગ્રેસે બીજી યાદીને લઈને તકેદારી દાખવી અને વિરોધ ડામવા માટે અમદાવાદ, સુરત સહિત ઉમેદવારોને સીધા જ ફોન પર મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા.
PAAS દ્વારા સૂચવેલા નામોને નજરઅંદાજ કરાતા ધાર્મિક માલવિયાએ ઉમેદવારી પત્રક ભરવાનો ઈન્કાર કર્યો હતો
કોંગ્રેસમાં જે પ્રકારે અસમંજસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં શનિવારે જોવા મળી હતી, તેવો નજારો ભાગ્યે જ પહેલા જોવા મળ્યો હશે. અનેક ઠેકાણે દબાણની રાજનીતિમાં કોંગ્રેસ મોવડી મંડળે છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય બદવાલની ફરજ પડી હતી. સુરતમાં બળદ ગાડામાં સરઘસ સાથે નીકળેલા ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ હાઈ કમાન્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ હતું. દબાણની રાજનીતિ હેઠળ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા PAASના આગેવાનોએ કેટલીક સીટો માંગી હતી. કહેવાય છે કે, ટિકિટ વિતરણ દરમિયાન કોંગ્રેસ દ્વારા PAAS દ્વારા સૂચવેલા નામોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ધાર્મિક માલવિયાએ પણ ઉમેદવારી પત્રક ભરવાનો ઈન્કાર કરી દીધો હતો. ધાર્મિક અને અલ્પેશ કથીરિયાના જણાવ્યા મુજબ, કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવારી પત્ર દાખલ કરી ચૂકેલા PAAS સમર્થક અનેક ઉમેદવારો પોતાનું નામ પરત લઈ શકે છે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.