- 23 નવેમ્બરથી ફરી ખુલશે શાળાઓ
- કોરોના વાઈરસને લઈને રાખવામાં આવશે તકેદારી
- વાલી મંડળે શાળાઓ ખોલવાના નિર્ણયનો કર્યો વિરોધ
અમદાવાદઃ રાજ્ય સરકારે દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે સરકારના આ નિર્ણયને લઈને શિક્ષણવિદો, શાળા સંચાલકો, વાલીઓ વગેરેએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ધીમે-ધીમે જ્યારે બધું જ અનલોક થઈ ગયું છે, ત્યારે શાળાઓ પણ ખુલવી જરૂરી હતી. આ રીતે તેઓ સરકારના નિર્ણયને વધાવે છે. સાથે કોરોના વાઈરસને લઈને યોગ્ય તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની છે.
વાલીઓએ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો
વાલીઓએ પણ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. જ્યારે વાલી મંડળે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારે જુદા - જુદા પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લીધો છે, તેમાં વાલીઓનો સમાવેશ કરાયો નથી. હજુ પણ શાળાઓ બે મહિના બાદ ખોલવી જોઇએ. કારણ કે, અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. તેમજ શિયાળામાં શરદી-ઉધરસના કારણે પણ કોરોના વાઈરસના કેસ વધવાની સંભાવના છે.
જે રાજ્યોમાં શાળાઓ ખુલી છે, ત્યાં સ્થિતિ ખરાબ
અનલોકમાં દેશમાં જે અન્ય રાજ્યોએ શાળાઓ ખોલી છે, ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. વળી વિધાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓ અને શાળોઓના માથે થોપી દેવી પણ યોગ્ય નથી, સરકારે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ.
જો કે, પ્રાથમિક શાળાઓ નહીં ખુંલતા, એક ઉંમરથી વધીને સમજુ બાળકો જ શાળાએ આવશે. જે પોતાને કોરોનાથી સુરક્ષિત રાખવા સક્ષમ હશે.