ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષામાં આ વર્ષે અમદાવાદના ફેનીલ દરજીએ 93.33% અને 99.53 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. કેનિલ લોવર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે. ફેનીલના પિતા દરજી કામ કરે છે અને તેમની માતા ગૃહિણી છે. જેથી તેમના પુરા પરિવારનું ગુજરાન પિતાના દરજી કામ પર જ નિર્ભર છે. એવામાં ફેનિલનું આટલા ઊંચા પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ સાથે પાસ થવું એક ઉત્તમ ઉદાહરણ છે. દરેક મિડલ ક્લાસ પરિવારથી આવતા બાળકો માટે.
ફેનીલે પોતાની સફળતાનો શ્રેય તેમના પરિવારને અને પોતે દરરોજ કરેલી મહેનતને આપ્યો હતો. સાથે-સાથે શિક્ષકોનો અને શાળા સંચાલકોનો પણ આભાર માન્યો હતો અને ખાસ તેના પિતાએ તેમની પાછળ જે રીતે મહેનત કરી હતી અને જે રીતે તેને સપોર્ટ કર્યો તેનાથી જ આટલી સફળતા હાંસલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. ફેનીલની ઈચ્છા કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લઈ એન્જીનિયર બનવાની છે.
ફેનીલના પિતા હરીશ દરજીએ પુત્રની આ સફળતા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેમનું બાળક હજુ જેટલું અને જે પણ ભણવા માંગે તેના માટે સપોર્ટ કરવા માટે હંમેશા તત્પર રહેશું તેમ જણાવ્યું હતું. ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ ઘણો હતો તેમ છતાં તેમણે બાળકના અભ્યાસમાં કોઈ પણ ખામી ન રહે તેની સંપૂર્ણ કાળજી લીધી હતી.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓએ સારા પર્સન્ટાઈલ અને પર્સન્ટેજ સાથે સફળતા મેળવી છે, ત્યારે ફેનીલ જેવા લોવર મિડલ ક્લાસ ફેમિલીથી આવતા બાળકોએ જે રીતે સફળતા મેળવી છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સમાન છે.