- હવામાન વિભાગની વધુ 3 દિવસ ભારે વરસાદની આગાહી
- સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની હવામાનની આગાહી
- લો પ્રેશર સક્રીય થવાના લીધે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદના કારણે બચી ગયો છે. જો કે, હજુ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેથી આગમચેતીના પગલારૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
વરસાદના કારણે સૌરાષ્ટ્ર રેડ એલર્ટ પર
રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, ભાવનગર સહિતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેડમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગોને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સ્થાનિક તંત્ર અને સરકાર સાથે પણ સતત સંપર્કમાં રહેવા સૂચન આપ્યું છે.
જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ
અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમના પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.