- 144મી રથયાત્રા નિયમો મુજબ યોજાશે
- આવતીકાલે મંદિરમાં નેત્રોત્સવ વિધિ
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે હાજર
અમદાવાદ: જગન્નાથની 144મી રથયાત્રા (144th Rathyatra of Jagannath)ને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ રથયાત્રા નીકાળવાનો સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર થઇ ચૂક્યો છે. આજે મંદિર ટ્રસ્ટ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આવતીકાલે 10 જુલાઇના રોજ ભગવાનનો નેત્રોત્સવ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (BJP state president CR Patil) ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે 6:00 કલાકે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 8:00 કલાકે નેત્રોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. સવારે 9:30 કલાકે ધ્વજારોહણ અને સવારે 10:30 કલાકે મહાઆરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી
રવિવારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા વિશિષ્ટ આરતી અને પૂજા
રવિવારે સવારે 09 કલાકે ભગવાનના સોનાવેશના દર્શન લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. સાવરે 10:00 કલાકે ગજરાજોની પૂજનવિધિ કરવામાં આવશે. બપોરે 2:00 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ કરવામાં આવશે. સાંજે 6:30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel) દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે મહાઆરતી થશે.
રથયાત્રાના દિવસે મંગળા આરતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા
રથયાત્રાના દિવસે સવારે 04:00કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) દ્વારા મંગળા આરતી કરવામાં આવશે. સવારે સાડા ચાર કલાકે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. સવારે 5:30 કલાકે ભગવાનને રથમાં પ્રતિષ્ઠિત કરાશે. જ્યારે 7:00 કલાકે મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે. જે દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. વિશિષ્ટ ભોગમાં ભગવાનને ખીચડી, કોળા, ગવારફળીનું શાક અને દહીંનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો, જાણો...
મંદિર ટ્રસ્ટની જનતાને અપીલ
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ જણાવ્યુ હતું કે, આ વખતે ભક્તોને પ્રસાદ વિતરિત કરવામાં આવશે નહીં. કોઈપણ સ્થળે ભગવાનનું સ્વાગત કરાશે નહીં. એક રથ પર 20 ખલાસી રહેશે. તમામ ખલાસીઓનો 24 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. સરસપુરમાં ભગવાન પોતાના મોસાળમાં ફક્ત પાંચ મિનિટમાં જ રોકાશે. સાથે જ લોકોનો સહકાર મળે અને ઘરે રહીને લોકો રથયાત્રા નિહાળે તેવી અપીલ મંદિર ટ્રસ્ટે કરી હતી.