- 05 અને 10 લિટરની કેપેસિટી વાળા પોર્ટેબલ ઓક્સિજન મશીન
- ક્રિટિકલ દર્દીઓ માટે ઘર ઉપયોગી થઈ શકે તેવા ટેક્નિકલ ફ્રેન્ડલી મશીન
- 100 રૂપિયાના ટોકન ચાર્જથી મશીન અપાશે
અમદાવાદ: લાયન્સ ક્લબ દ્વારા કોવિડના ક્રિટિકલ દર્દીઓને ઘરે જ ઓક્સિજન મળી રહે તેવા ઉમદા ઉદે્શથી 12 એપ્રિલે અમદાવાદમાં પોર્ટેબલ ઓક્સિજન મશીન બેન્કનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન મશીનની 05થી 10 લીટરની કેપેસીટીના છે. જે દર્દીઓને ફક્ત 100 રૂપિયાના ટોકનથી 5 દિવસ માટે મળશે. તે માટે કોઈ ડિપોઝિટ ભરવાની રહેશે નહીં. લાયન્સ ક્લબના કાર્યકરો દર્દીના ઘરે મશીન મૂકી અને લઈ જાય તેવી સુવિધા પણ 500 રૂપિયાના દરે અપાઈ રહી છે.
આ પણ વાંચો: બાલાસિનોર લાયન્સ ક્લબે MGVCL કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું
1,000 મશીન વસાવવાનું લાયન્સનું લક્ષ્ય
કોરોનાના ક્રિટિકલ દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવે છે. અત્યારે એવી પરિસ્થિતિઓ સર્જાઈ છે કે, જ્યાં હોસ્પિટલમાં પથારીઓ મળવી પણ મુશ્કેલ થઇ રહી છે. ત્યારે કોવિડના દર્દીઓને ઘરે જ ઓક્સિજન મળતા તેમને રાહત થશે. આ મશીનની બજાર કિંમત 36,500થી લઈને 76, 500 રૂપિયા સુધીની છે. અત્યારે લાયન્સ ક્લબને 50 જેટલા મશીન ડોનેશન રૂપે મળ્યા છે. લાયન્સ ક્લબનું ટાર્ગેટ આવા 1,000 મશીન મેળવવાનું છે.
મશીન અંગે જરૂરી બાબતો
ઓક્સિજન મશીન મેળવવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. મશીનની સાથે ઓક્સિજન લેવલ ચેક કરવા ઓક્સિમીટર પણ આપવામાં આવશે. આ મશીન વીજળીથી ચાલે છે. જે હવામાંથી ઓક્સિજન મેળવીને દર્દી સુધી પહોંચાડે છે. અત્યારથી જ લાયન્સ ક્લબ પાસે દર્દીઓ અને તેમના સગા દ્વારા ઓક્સિજન મશીન મેળવવા માંગ થઈ રહી છે. આ મશીન મેળવવા 079 8403 1873 અને 079 8403 1875 નંબર ઉપર ફોન કરવાનો રહેશે.
આ પણ વાંચો: પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ
કોરોના કાળમાં લાયન્સ ક્લબ દ્વારા અનેક સેવા કાર્યો થયા
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની શરૂઆતનો સંક્રમણ કાળ હતો ત્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના અનેક મેમ્બરોએ દરેક દેશમાં કોવિડ પીડિત વ્યક્તિઓ માટે બને તેટલી મદદ કરી હતી. લાયન્સ કર્ણાવતી દ્વારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાન કેર ફંડમાં 50 લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રમિકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબની આરોગ્ય ક્ષેત્રની પ્રવૃતિઓ
લાયન્સ ક્લબ દ્વારા કિડની ડાયાલીસીસ સેન્ટર, આંખની હોસ્પિટલ, બ્લડબેન્ક વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ગાંધીધામ, ભુજ, વાપીમાં પણ લાયન્સ ક્લબના સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.