અમદાવાદઃ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, બીજી તરફ અનલોક-3 પણ લાગુ થઇ ચૂક્યું છે. તેવામાં હવે લોકો વધુ બેદરકાર બનતા નજરે પડી રહ્યા છે. અનેક લોકો માસ્ક પહેર્યા વગર રોડ અને મોલ પર નજરે પડે છે. ત્યારે હવે આ વાત અમદાવાદ કોર્પોરેશનને ધ્યાને આવતા કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં દુકાનો, શો- રૂમ, મોલ સહિતની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હોવાની ફરિયાદ મળી હતી. આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં પ્રહલાદનગર વિસ્તારમાં રિલાયન્સ ડિજિટલને પણ ગાઈડલાઈનમાં ભંગ બદલ સીલ કરવામાં આવ્યું છે. શાહઆલમ ચાર રસ્તા પાસે આવેલો બ્રાન્ડ ફેક્ટરી શો- રૂમને પણ કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવ્યો છે.
મણિનગર વિસ્તારમાં આવેલી એનરીચ હેર એન્ડ સ્કિન નામની દુકાનમાં ગાઈડલાઇનનો ભંગ જોવા મળતા સીલ કરવામાં આવી હતી. સૈજપુર બોધા વિસ્તારમાં ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અલગ-અલગ વિસ્તારમાં હજુ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ મોલ અને શોરૂમ સીલ કરાયા
- રિલાયન્સ ડિજિટલ શો-રૂમ- પ્રહલાદનગર
- ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટર- સૈજપુર
- એનરીચ હેર એન્ડ સ્કિન- મણિનગર
- બ્રાન્ડ ફેક્ટરી શો રૂમ- શાહઆલમ ચાર રસ્તા
મંગળવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવ ઇન રોડ પરની મેકડોનાલ્સ રેસ્ટોરાંને સીલ કરી હતી. રેસ્ટોરાંમાં 25થી વધુ લોકોને નાસ્તો પીરસવામાં આવતો હતો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે એ-વન મોલને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકો માસ્ક પહેર્યા વગર ફરતા દેખાતા મોલને સીલ કરાયો હતો.