અમદાવાદ: શહેરમાં લોકડાઉનના કારણે શહેરની મેડિકલ સ્ટોર્સમાં નાના બાળકોના ખોરાક અને વ્યક્તિગત સ્વચ્છતાની વસ્તુઓ જેમ કે હાથ ધોવાના લિકવિડ, જંતુનાશક સાબુ વગેરેની અછત જોવા મળી રહી છે.એક બાજુ કોરોના સંક્રમણના કારણે લોકોએ પહેલેથી જંતુનાશક દવાઓ અને સાબુ ખરીદી લીધાં છે. તો સરકાર પણ મોટાપાયે આ વસ્તુઓ ખુલ્લા માર્કેટમાંથી ખરીદી રહી છે. લૉક ડાઉનના કારણે કંપનીઓ પાસે પણ આ વસ્તુ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં જરૂરી મટીરીયલ આવી નથી રહ્યું. અમુક કેમીકલો વિદેશથી આવતાં હતાં તે પણ કોરોના વાયરસના કારણે બંધ થયાં છે.
મેંડિકલ સ્ટોર્સના માલિકોનું કહેવું છે કે કંપની દ્વારા તેમને પુરવઠો મળી રહ્યો નથી. સરકાર પણ ખુલ્લાં બજારમાંથી આ વસ્તુઓની ખરીદી કરી રહી છે. લૉકડાઉનના કારણે મૂકવામાં આવેલા ટ્રાન્સપોર્ટેશન પ્રતિબંધને કારણે પણ સપ્લાય ઓછો છે. જથ્થાબંધ વેપારી દ્વારા આવી વસ્તુઓ મોટાપાયે ખરીદાય છે જે છૂટક વેપારી સુધી પહોંચતી નથી. બીજી તરફ મેડિકલ સ્ટોર્સમાં નાના બાળકો માટે જરૂરી એવા બેબી ફૂડની પણ અછત જોવા મળી રહી છે કારણ કે તેનો પુરવઠો પણ કંપની તરફથી મળી રહ્યો નથી.
જેના કારણે નાના બાળકો ધરાવતાં પરિવારના લોકો વારંવાર મેડિકલ સ્ટોર્સના ધક્કા ખાઇ રહ્યાં છે. આ પરિસ્થિતિ નિવારવા માટે મેડિકલ સ્ટોર્સના માલિકોનું કહેવું છે કે, ઉત્પાદક કંપનીઓને મોટા પ્રમાણમાં મટીરીયલ મળી રહે અને ટ્રાન્સપોર્ટેશન પર વધુ છૂટ આપવામાં આવે. જેના કારણે જીવન જરૂરી અને આરોગ્યલક્ષી વસ્તુઓનો પુરવઠો શહેરમાં જળવાઈ રહે.