- મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ રાજ્ય બનાવવા આંદોલનનો મોટો ફાળો
- મહાગુજરાત આંદોલનને લઇને ગુજરાત નવુ રાજ્ય બન્યું
- આંદોલન ચળવળ દરમિયાન કુલ 24 કાર્યકરોનાં થયા હતા મૃત્યુ
અમદાવાદ: ગુજરાત રાજ્યની સ્થાપના અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ ખાતેથી મૂકસેવક રવિશંકર મહારાજને હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960ના રોજ કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ ચાલેલી ચળવળના અંતે ગુજરાત એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયુ, ગુજરાતની સ્થાપના કરવામાં આવી ત્યારે અમદાવાદ ગુજરાતનું પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના લાલદરવાજા ખાતેથી સરકાર કાર્યરત હતી. ત્યારબાદ ગાંઘીનગરને પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
મહાગુજરાત આંદોલન એ આઝાદી પછીનું સૌથી મોટુ આંદોલન હતું
ઇતિહારકારોના મતે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલું મહાગુજરાત આંદોલન આઝાદી પછીનું સૌથી મોટુ આંદોલન બન્યું હતું. વર્ષ 1956માં આંઘ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતીઓને પણ આશા બંધાઇ હતી કે, ભાષાવાર ગુજરાત રાજ્ય અલગ બનશે, પરંતુ રાજ્ય પુન:રચના પંચે કેન્દ્ર સરકારને 1955માં અહેવાલ સુપ્રત કર્યો હતો અને 6 ઓગષ્ટ 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજ્યની જાહેરાત થઇ હતી. જાહેરાત થતાની સાથે જ ગુજરાતીઓની આશા પર પાણી ફરી વળ્યું અને 7 ઓગ્ષ્ટ 1956ના દિવસે કેટલાક વિર્ઘાર્થીઓ ઠાકોરભાઇ દેસાઇને મળ્વા ગયા હતા, પરંતુ ઠાકોરભાઇ દેસાઇ તરફથી કોઇ સંતોષકારક જવાબ ન મળતા હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યુ હતું.
અમદાવાદના એલિષબ્રિજ વિસ્તારમાં પ્રથમ સરઘસ નિકળ્યું હતું
અમુક વિર્ઘાર્થીઓએ ઠાકોરભાઇ દેસાઇ તરફથી કોઇ સંતોષકારક જવાબ ન મળતા હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં જંગી સરઘસ નિકળ્યું હતું. આ સરઘસમાં જ “લે કે રહેંગે મહાગુજરાત”નો નારો આપવામાં આવ્યો હતો. જે સમય સાથે બુલંદ બનતો ગયો હતો. 8 ઓગષ્ટ 1956ના દિવસે અમુક આંદોલનકારીઓએ અમદાવાદના ભદ્દ ખાતે કોંગ્રેસભવનની બહાર દેખાવ કર્યા હતા. જેમાં પોલીસે આંદોલનકારીઓને કાબુમાં લેવા માટે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને તેમાં 5 વિર્ધાર્થીના મૃત્યુ થયા બાદ આ ઘટનાનો પડધો સમગ્ર ગુજરાત પ્રદેશમાં પડ્યો હતો. જેથી ગુજરાતમાં અરાજક્તા ફેલાઇ ગઈ હતી અને અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં દેખાવો અને તોફાનો થવા લાગ્યા હતા.
મહાગુજરાતની ચળવળમાં કુલ 24 યુવાનોએ જીવ ગુમાવ્યા
ઇતિહાસમાં નજર કરીએ તો મહાગુજરાતની ચળવળમાં કુલ 24 યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્દુલાલ યાજ્ઞીકને મહાગુજરાત જનતા પરીષદના પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકે આંદોલનનુ નેતૃત્વ લેતા કાર્યકરોમાં પણ નવી ચેતના જાગી હતી, જ્યારે 2 ઓક્ટોબર 1956નો દિવસ આંદોલનના જુસ્સાનો પ્રતિક હતો, એક તરફ જવાહરલાલ નહેરૂની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકે પણ અમદાવાદની લૉ કોલેજ ખાતે જંગી સભા યોજી હતી. જેમાં 3 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. અને બીજી બાજુ જવાહરલાલ નહેરૂની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી
લોકસભાની ચૂંટણી મહત્વની સાબિત થઇ
'ગુજરાત લે કે રહેંગે'ના નારા સાથે મહાગુજરાતનું આંદોલન શરૂ થયું હતું. ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ હતી. આંદોલન દરમિયાન 1997માં લોકસભાની ચૂંટણી આવી હતી. જેમાં મહાગુજરાત જનતા પરીષદે પણ ચૂંટણીમાં જમ્પ લાવ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ હવે ગુજરાતમાં આંદોલન વધુ વેગવાન બની રહ્યું હતું. 6 ડિસેમ્બર 1959ના રોજ દિલ્હીમાં વિભાજન મુદ્દે કોંગ્રેસની સમિતી બેઠક મળી હતી. જેના બીજા દિવસે વિભાજનની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને આખરે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવાની દરખાસ્ત હકીકતમાં પરીણમી હતી. આખરે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ થયા અને મુંબઇ મહારાષ્ટ્ર સાથે અને ડાંગ ગુજરાત સાથે ભળ્યું હતું.
1 મે 1960ના દિવસે સોનાનો સૂરજ ઉગ્યો
આમ, 1 મે 1960ના દિવસે ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી મૂકસેવક રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યુ હતું, મૂકસેવક જ્યારે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાબ જંગ અને મુખ્યપ્રઘાન તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. આમ, અંતે મહાગુજરાત આંદોલનને સફળતા મળી અને આંદોલનકારીઓ અને ગુજરાત માટે 1 મે 1960 ના દિવસે સોનાનો સુરજ ઉગ્યો હતો.