- વડોદરા રેલવેલાઇનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઇ-લોકાર્પણ
- દેશભરનાં પ્રવાસીઓને રેલવેથી કેવડિયા પહોંચવાની સરળ સુવિધા
- નવાગામથી જાણીતું કેવડિયા પ્રવાસનનાં નવાધામ તરીકે ઝડપથી વિકસ્યું
- પ્રતિદિન એક લાખ પ્રવાસીઓની મુલાકાતનું વડાપ્રધાનનું સ્વપ્ન પૂર્ણ થશે
અમદાવાદઃ સમગ્ર ભારતને એક તાંતણે જોડીને સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશો આપનારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપીને દુનિયાને ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરીચય કરાવીને કેવડિયાને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર પાડયુ છે, ત્યારે આજે કેવડિયા વિશ્વનાં નકશામાં ચમકી રહ્યું છે અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે.
કેવડિયા રેલ નેટવર્ક સાથે જોડાશે
દેશભરનાં પ્રવાસન રસિકોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસન સ્થળો જોવા અને જાણવાની ઉત્સુકતા જાગી છે. જેને અનુલક્ષીને વિશ્વની સૌથી વિરાટ સરદાર પ્રતિમાના પ્રેરક અને સ્થાપક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓને કેવડિયા આવવાની સરળતા થાય તે માટે વિવિધતામાં એકતાનાં સૂત્રને સાકાર કરતી આ ભૂમિને રેલ પરિવહનની સુવિધાથી જોડવાનો સંકલ્પ કર્યો હતો, જે હવે પૂરો થવા જઈ રહ્યો છે. હવે કેવડિયા રેલ યુગમાં પ્રવેશે અને દેશના રેલવે નેટવર્કમાં બી શ્રેણીના રેલવે સ્ટેશન તરીકે તેનું નામ અંકિત થાય એ ઐતિહાસિક ઘડી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
આદિવાસી વિસ્તારનો વધુ વિકાસ થશે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાં કેવડિયા ખાતે કરવા પાછળ દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત બને અને આદિવાસી વિસ્તારમાં પ્રવાસન થકી વિકાસને વેગ મળે તે પવિત્ર ઉદ્દેશ્ય હતો તે આજે પરીપૂર્ણ થયો છે. પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ સરળતાથી કેવડિયા પહોંચી શકે તે માટે અલગ-અલગ પરીવહન માર્ગ વિકસાવવા માટે સરકાર કટિબધ્ધ હતી અને તે મુજબ રોડ માર્ગ, હવાઇ માર્ગ અને હવે રેલ માર્ગની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા હવે દેશનાં મુખ્ય શહેરો જેવા કે, દિલ્હી, મુંબઇ, અમદાવાદ,ચેન્નાઇ, સુરત અને વડોદરાથી ટ્રેન મળી શકશે.
રેલવેને કારણે રોજગારીની વિપુલ તક મળશે
ઈતિહાસ સાક્ષી છે કે, વિશ્વભરમાંથી જયારે પણ કોઇ અંતરીયાળ વિસ્તારમાં ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય છે ત્યારે તે સમગ્ર વિસ્તારની સામાજીક – આર્થિક કાયાપલટ કરી નાંખે છે. રેલમાર્ગ સ્થિત સ્ટેશનો ઉપર રોજગારીની સીધી અને આડકતરી વિપુલ તકો ઉભી થાય છે. રેલવે સ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારમાં દુકાનો, ફેરીયાઓ, કુલી, સફાઇ કામદારો, વાહનચાલકો વગેરે માટે આવકનો કાયમી સ્ત્રોત ઉભો થાય છે. કેવડીયા મુકામે સ્ટેશનનો વિકાસ થતાં અને બ્રોડગેજ લાઇનથી જોડાણ થતાં આ આદીવાસી વિસ્તારનો ઝડપભેર વિકાસ સુનિશ્ચિત બન્યો છે.