જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને કુશળ આંતરરાષ્ટ્રીય કૂટનીતિને કારણે ભારતને આતંકવાદ સામેની લડાઈમાં બહુ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા પાંચ વર્ષના શાસન દરમિયાન આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની રણનીતિ અપનાવી આતંકવાદને નાબૂદ કરવા અનેક બહાદુરીભર્યા નિર્ણયો લીધા છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વિશ્વના અનેક દેશોએ ભારતના નેતૃત્વને સ્વીકારી ભારતને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાત્રી પણ આપી છે.
આ ઉપરાંત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશના વીર જવાનોની શહીદીનો બદલો લેવામાં આવશે. ત્યારબાદ દેશના બહાદુર સૈન્યને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે છૂટ આપી આતંકવાદના સફાયા માટેના દ્રઢ મનોબળ અને હિંમતના દર્શન કરાવ્યા હતા. દેશના વીર જવાનોએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો, ત્યારે પણ વિશ્વના અનેક દેશોએ ભારતના બહાદુરીભર્યા પગલાને બિરદાવ્યું હતું.
પુલવામા આતંકી હુમલાના કાવતરાખોર મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વના અનેક દેશોએ તેને સમર્થન પણ આપ્યું હતું અને અંતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાતા આતંકવાદ સામેની લડાઈમાં ભારતને બહુ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વચન આપ્યું હતું કે "મેં દેશ નહીં મીટને દુંગા મેં દેશ નહીં જુકને દૂંગા" આ વચનને સાર્થક કરતા આતંકવાદના સફાયા માટેની તેમની હિંમત, મક્કમતા અને દ્રઢ નિર્ધારને કારણે આજે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.