- દિવાળી પૂર્વે વેપારીઓ સજ્જ
- તહેવારોમાં છેલ્લી ઘડીએ સારા વેપારની આશા
- ગણતરીના દિવસો છતાં માહોલ જામતો નથી
અમદાવાદઃ શહેરના ભદ્ર, પાનકોરનાકા, ગાંધીરોડ, રીલીફરોડ, ટંકશાળ, માણેકચોક, માધુપુરા, રાયપુર, દિલ્હી દરવાજા, કાલુપુર જેવા અનેક વિસ્તારો વેપાર ધંધા માટેની એક આગવી ઓળખ ધરાવે છે. મંદીના મોજા અને કોરોનાના ડર વચ્ચે દરેક વિસ્તારોના બજારો ગ્રાહકોની માગ સંતોષવા સજ્જ થઇ ગયાં છે.
- ફટાકડા-મીઠાઇમાં ખરીદી ઘટી
છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીની રોનક ઝાંખી પડતી જાય છે. એમાંય કોરોનાની મહામારીના કારણે હજુ તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ જોવા મળતો નથી. માર્ગો પર બેસી પાથરણાં બજારમાં વેપાર કરતાં ફેરિયાઓથી માંડી મોલના માલિકો તહેવાર ઉત્સવમાં કમાણી થાય એવી આશા સેવી રહ્યાં છે. આ વર્ષની દિવાળી પૂર્વે દુકાનો અને મોટા મોલમાં હજુ સુધી ખરીદી નહીંવત જોવા મળી રહી છે. એમાંય ફટાકડા, મીઠાઇ, સુશોભનની ચીજવસ્તુઓઓના વેચાણમાં હજુ તેજી જોવા મળતી નથી.
- કપડાં-પગરખાં-મોબાઈલ-એસેસરીઝનું વેચાણ
દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કપડાં, પગરખાં, મોબાઈલ એસેસરીઝ જેવી ચીજ વસ્તુઓનું વેચાણ સસ્તા દરે વેચાણ કરતાં બજારમાં જોવા મળે છે. મોંઘવારી અને મહામારીના કારણે મોટા શો રૂમ અને મોલ કરતા નાની હાટડીઓ અને પાથરણા બજારમાં ભારે ભીડ જોવા મળે છે. આ વર્ષે ખરીદીમાં ગ્રાહકોનો ટ્રેન્ડ બદલાયો છે.