- જરૂરી નથી હોતું કે ભાઈ-બહેન વચ્ચેનો સબંધ માત્ર લોહીના જ સબંધ હોય
- જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનના દિવસે બહેનને મળ્યો નાનો ભાઈ
- ભાઈ-બહેન દરવર્ષે ઉજવે છે રક્ષાબંધન અને ભાઈબીજ
અમદાવાદઃ શહેરના જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં (Jeevansandhya Old Age Home) આજે ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અહીં રહેતા રસિકભાઈ અને સુમિત્રાબેને ભાઈબીજ ઉજવી હતી. વર્તમાન સમયમાં સગો ભાઈ ભાઈનો નથી. તેવામાં આ બંને ભાઈ બહેનોની વચ્ચે લોહીનો સંબંધ ન હોવા છતાં તેમનો સંબંધ કોઈ સગાંથી ઓછો નથી. છેલ્લા 25 વર્ષથી તેઓ રક્ષાબંધન (Rakshabandhan) અને ભાઈબીજનો (Bhaibeej) તહેવાર એકસાથે ઉજવે છે. આ બંને તહેવાર તે લોકો માટે ખૂબ જ મહત્ત્વ રાખે છે.
આ પણ વાંચો- ભાઇબહેનના નિર્મળ પ્રેમ અને રક્ષાના અભેદ્ય કવચનો તહેવારઃ ભાઈબીજ
રસિકભાઈનો યુવાન પુત્ર અકસ્માતમાં મૃત્યુ પામતા તેઓ નિરાધાર થયા હતા
78 વર્ષીય રસિકભાઈનો યુવાન દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાથી તેઓ અને તેમના પત્ની નિરાધાર થઈ ગયા હતા. પરિણામે તેમને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું હતું. શરૂઆતના સમયે તેમને વૃદ્ધાશ્રમમાં ગમતું નહીં. અહીં તેઓ અજાણ્યા લોકો વચ્ચે કાયમ નિરાશ રહેતા હતા. એવામાં તેમનો ભેટો રક્ષાબંધનના (Rakshabandhan) દિવસે 80 વર્ષીય સુમિત્રાબેન બારોટ સાથે થયો. સુમિત્રાબેને રસિકભાઈને રાખડી બાંધી અને તેમને કહ્યું, આજથી તમે જ મારા ભાઈ અને હું તમારી બહેન. આમ, છેલ્લા 25 વર્ષથી રસિકભાઈ અને સુમિત્રાબેન માટે રક્ષાબંધન (Rakshabandhan) અને ભાઈબીજનો (Bhaibeej) તહેવાર ખૂબ જ મહત્ત્વ રાખે છે. તેઓ કાયમ એકબીજાના સુખદુઃખમાં સહભાગી બને છે. આમ, લોહીના સબંધને બદલે લાગણીઓનો સબંધ બંધાયો હતો.
આ પણ વાંચો- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલને નવા વર્ષે શુભકામનાઓ પાઠવી
લોહીની સગાઈ કરતા મનની સગાઈ મને વધુ ગમીઃ રસિકભાઈ
રસિકભાઈએ આ અંગે કહ્યું હતું કે, મને લોહીની સગાઈ કરતા મનની સગાઈ વધુ ગમી છે. હું શરૂઆતમાં જ્યારે અહીં આવ્યો ત્યારે મને એકલવાયું લાગતું હતું. એ સમયે મને સુમિત્રાબેન મળ્યા અને એમણે મને ભાઈ તરીકે માન આપ્યું. બસ, તે જ સમયથી તેઓ મારા બહેન બની ગયા હતા. તેમને ક્યાંક બહાર ચાલવા જવું હોય તો હું તેમને મદદ કરું અને જ્યારે હું બીમાર થઉં છું. તેઓ ચિંતામાં મૂકાઈ જાય છે. હું અને મારા પત્ની સુમિત્રબેનને મળ્યા એટલે અમારે જાણે નાનું કુટુંબ હોય તેવો જ સબંધ બંધાઈ ગયો. ખરેખર તો મારે બહેન સુમિત્રાબેનના સ્વરૂપે મા અંબે જ મને મળ્યા છે.