અમદાવાદ-અંબાજીઃ ચૂંદડીવાળા માતાજી છેલ્લાં 80 વર્ષથી ખોરાક અને પાણી વગર કઈ રીતે જીવી રહ્યાં છે, તે વાત બહાર આવી ત્યારે ડૉકટરોની ટીમ માટે પડકાર હતો. ચૂંદડીવાળા માતાજીનું બે વખત પરીક્ષણ કરીને તેમના પર રીસર્ચ કરનાર ન્યૂરોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉકટર સુધીર શાહે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પહેલીવાર 2002માં અને ત્યારપછી 2010માં બીજીવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પણ તેઓ ખોરાક વગર અને પાણી વગર જીવી શક્યાં હતાં. પ્રથમવાર તેમને 10 દિવસ એક રૂમમાં રખાયાં હતાં. સીસીટીવીની નજરમાં હતાં. અને દરરોજ 24 ડૉકટરોની ટીમ સતત તેમના પર નજર રાખી રહી હતી, તેમના અનેક લેબોરેટરી ટેસ્ટ પણ થયાં હતાં. બીજી વખતના પરીક્ષણમાં 15 દિવસ સુધી રીસર્ચ ટીમના અધ્યક્ષપદે ડૉકટર સુધીર શાહ જ હતાં, તેમણે તે વખતે ચૂંદડીવાળા માતાજીના શરીરના એક એક અંગની તપાસ કરી હતી. બ્લડ, યુરીન સહિતના અનેક રીપોર્ટ કરાવ્યાં હતાં. પણ બધુ નોમર્લ આવ્યું હતું. વિશેષ અગત્યનું એ હતું કે તેમણે 15 દિવસ સુધી યુરીન કે સ્ટૂલ પણ કર્યું ન હતું. આટલા દિવસો ખાધાપીધા વગર માણસ રહી શકે છે. પણ યુરીન ન કર્યું હોય તો પાંચમાં દિવસે માણસની કિડની ફેઈલ થઈ જાય છે. પણ માતાજી બાયોટ્રાન્સમેશનનો કેસ હતાં.
પદ્મશ્રી ડૉકટર સુધીર શાહે વધુમાં જણાવ્યું હતું કે માતાજી પર કરવામાં આવેલ પરીક્ષણથી વિશ્વ કલ્યાણમાં ફાયદો થઈ શકેે છે. ભૂખમારાના વિસ્તારોમાં તેમનું રીસર્ચ કામમાં આવી શકે છે. માતાજીની જેમ ઝીરો કેલરી અથવા ઓછી કેલેરી ઉપર રહેતાં અનાજની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. ખૂબ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનાર અંતરિક્ષયાત્રીઓ માટે આ રીસર્ચ પેપર ખૂબ કામમાં આવી શકે છે. તે ઉપરાંત સૈન્યના જવાનોને પણ વિપરીત પરિસ્થિતિમાં ફાયદો થઈ શકે છે. આ શોધથી ઓછી કેલરીમાં પણ માનવી જીવિત રહી શકે છે, તેવું પ્રતિપાદિત થયું છે. વિજ્ઞાનને નવી દિશા મળી છે.પદ્મશ્રી ડૉકટર શાહે કહ્યું હતું કે તેઓ 91 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સ્વસ્થ હતાં, બે મહિના પહેલાં જ હું તેમને મળ્યો હતો, પ્રહલાદભાઈ જાની ઉર્ફે ચૂંદડીવાળા માતાજીનું મનોબળ જબરજસ્ત હતું. તેઓ કયારેય બિમાર પડ્યાં નથી. જો કોઈ વ્યક્તિ ચાર દિવસ પેશાબ ન કરે તો તેની કિડની ફેઈલ થઈ જાય છે, પણ માતાજી સાથે આવું બન્યું નથી. જે વિજ્ઞાન માટે આશ્ચર્યજનક ઘટના ગણી શકાય. આ બાબતની જાણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને મળવાનું થયું ત્યારે ચર્ચા કરી હતી. તેમના કહેવા પ્રમાણે ડીઆરડીઓની ટીમ પરીક્ષણમાં જોડાઈ હતી. ડિફેન્સ ઈન્સ્ટિટયુટ ઓફ ફિજિયોલોજી એન્ડ એલિડ સાયન્સિસના 32 વૈજ્ઞાનિકો રીસર્ચ ટીમમાં સામેલ હતાં. છેલ્લે 15 દિવસના પરીક્ષણમાં માતાજીને બાથટબમાં બે વાર નવડાવ્યાં હતાં, તેમના શરીરમાં સવારસાંજ યુરિન ભેગું થતું હતું, તેને પણ તે એબ્સોસ કરી લેતાં હતાં. આ એક કોયડા સમાન હતું. માતાજીમાં શારીરિક, માનસિક શક્તિ તમામ વ્યવસ્થિત હતું. તેઓ ગબ્બરગઢ પર આવેલી ગુફાના પગથિયા ફટાફટ ચઢી જતાં હતાં. ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સિટ્સ એસોસિએશનના અધ્યક્ષ જશવંતભાઈ પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંદડીવાળા માતાજીએ 11 વર્ષની ઉંમરે જ સંસારનો ત્યાગ કરીને અન્નજળનો પણ ત્યાગ કર્યો હતો. ડૉકટરોની ટીમે તેમના પર બે વખત પરીક્ષણ કર્યા છે. પણ તે વિજ્ઞાન માટે કાયડા સમાન બની ગયાં હતાં. ચૂંદડીવાળા માતાજીનો પરિચયઅંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લાં 80 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચૂંદડીવાળા માતાજીના નામથી ભક્તિ કરી રહ્યાં હતાં. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી એવા ચૂંદડીવાળા માતાજી હતાં.પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 11 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્નજળનો ત્યાગ કર્યો હતો. અને આ મહાન વિભૂતિ એવા ચૂંદડીવાળા માતાજી તરીકે 91 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. માતાજીનું મૂળવતન ચરાડા ગામ(તાલુકો માણસા) હતું. પ્રહલાદભાઈ જાની પુરુષ હોવા છતાં તેઓ સ્ત્રીના કપડાં પહેરતાં હતાં, અને ચૂંદડીવાળા માતાજીના હુલામણાં નામે જગવિખ્યાત બન્યાં હતાં. આ ચૂંદડીવાળા માતાજીની સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ રહેતાં. માતાજીના દર્શન કરવા દેશવિદેશથી ભક્તો આવતાં હતાં.
અમદાવાદથી ભરત પંચાલ અને ઈશાની પરીખ અને અંબાજીથી પરખ અગ્રવાલનો વિશેષ અહેવાલ