ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, બંને યુવતીઓ આજે કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેઓ સ્વેચ્છાએ વેસ્ટ ઈન્ડિઝમાં સ્થાયી હોવાની શંકા પ્રબળ થાય છે. નિત્યાનંદિતાએ ફેસબુક વડે માહિતી આપી હોવા છતાં બન્નેને હાઇકોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને આદેશ કર્યો હતો. ભારતીય એમ્બેસી ન હોય તેવા દેશ વેસ્ટ ઈન્ડિઝમાં બન્ને યુવતીઓ રહેતી હોવાથી વધુ શંકા થાય છે. આગામી સમયમાં કોર્ટને લાગશે તો આ કેસમાં ભારત સરકારની પણ મદદ લેવામાં આવશે. પરંતુ તેમને કોઈપણ ભોગે હાજર થવું પડશે.
પોલીસ વતી સરકારી વકીલે દલીલ કરી હતી કે, લોપામુદ્રા દોઢ વર્ષ પહેલા દેશ છોડીને વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે, જ્યારે નિત્યનંદિતા 5મી નવેમ્બરના રોજ નેપાળ થઈ વેસ્ટ ઈન્ડિઝ ગઈ હતી. અગાઉ હાઇકોર્ટે આ કેસની સુનવણી દરમિયાન સ્વામી નિત્યાનંદ, રાજ્ય સરકાર, પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હતો.
અરજદારનો આક્ષેપ છે કે, આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળવા દેવામાં આવતી નથી, જેથી હાઈકોર્ટ સત્તાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, બેંગ્લોરથી બંન્ને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી.
અરજદારનો આક્ષેપ છે કે, સ્વામી નિત્યાનંદ અને આશ્રમવાસીઓ તેમની દિકરીને મળવા દેતા નથી. ઉપરાંત દિકરી પાસેથી વીડિયો વાઈરલ કરાવવામાં આવ્યો હતો. આશ્રમમાંથી બંન્ને યુવતી ગુમ થઈ હોવાનો આક્ષેપ પણ જનાર્ધન શર્માએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવતી નિત્યાનંદિતાએ વાયરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે, તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માગતી નથી.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં યુવતીના પિતા જનારધન શર્માએ આશ્રમના સંચાલક અને સ્વામી નિત્યાનંદ પર આક્ષેપ કર્યો હતો કે, છોકરીને ખોટી રીતે ફસાવામાં આવી છે અને તે મળવા માગતી નથી તે અંગે બળ-બજરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું છે અને વીડિયો જાહેર કરાવવામાં આવ્યો છે. 6 દિવસ પહેલાં તેમની દિકરી સાથે વાતચીત થઈ હતી અને તે એમને પોતાને બચાવી લેવાનો કહ્યું હતું. પિતાએ આશ્રમમાં પ્રવેશ આપતા અટકાવતા અંગે ષડયંત્ર રચવાનો આક્ષેપ પણ કર્યો છે.