અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભરૂચ, કચ્છ અને સુરતમાં ભારે વરસાદ પડશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારે વસતાં લોકોને સતર્ક કરી દેવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં સિઝનનો અડધો કે તેનાથી વધારે વરસાદ એકસાથે પડી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એકસાથે સક્રિય થતાં હવામાનવિભાગ તરફથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.