- વડોદરા લવ જેહાદના પ્રથમ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
- કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, ચુકાદો અનામત રાખ્યો
- રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ
- આગામી સુનાવણીમાં કોર્ટ પોતાનો આદેશ જાહેર કરી શકે છે
અમદાવાદ: વડોદરા (Vadodara)માં નોંધાયેલા પ્રથમ લવ જેહાદ (First Love Jihad Case)ના કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષની દલીલોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. આગામી સુનાવણી (Hearing) દરમિયાન કોર્ટ પોતાનો આદેશ જાહેર કરી શકે છે.
ફરિયાદીએ કોર્ટમાં શું રજૂઆત કરી?
અગાઉ સુનાવણી દરમિયાન ફરિયાદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જે મુજબની ફરિયાદ પોલીસે નોંધી છે તે મુજબ ફરિયાદીએ કોઈ ગુનો નોંધાવ્યો નથી. તેની સામે આજે સરકારે કોર્ટમાં સોંગદનામું રજૂ કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ જે મુજબ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે તે મુજબ જ પોલીસે ફરિયાદ નોંધી છે. આ સામે ફરિયાદીએ ડોક્ટર સામે જે પ્રમાણે રજૂઆતો કરી છે અને તે સમયે દર્દીની મેડિકલ તપાસ જે રીતે થઈ છે તેના રેકોર્ડ અને પોલીસની ફરિયાદ બંને મળતી આવે છે.
સરકારે કહ્યું : કેસમાં ગુનાનો પ્રકાર ગંભીર, આગળ કાર્યવાહી થવી જોઇએ
આ મામલે કોર્ટમાં રજૂઆત કરતા ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલીસે વાસ્તવિક ઘટના કરતા જૂદી જ ફરિયાદ નોંધી છે. અમારે માત્ર પારિવારિક ઝઘડો થયો છે પણ તેને લવ જેહાદનું નામ આપી દેવામાં આવ્યું છે. તેથી અમારે આગળ કોઈ કાર્યવાહી કરવાની નથી. જો કે આ સામે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ કેસમાં ગુનાનો પ્રકાર ગંભીર છે. તેથી આગળની કાર્યવાહી થવી જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો: SRP જવાને પોતાનો ધર્મ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: 'મિત્રતા નહીં રાખે તો મારી નાખીશ' કહી વિધર્મી યુવકે યુવતીને ધમકી આપી