રાજ્યભરમાંથી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 5 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩,૫૫,૫૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 2,60,503 વિદ્યાર્થીઓ પાસ થયા છે.આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઉંચું પરિણામ 85.03 ટકા જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ જાહેર થયું છે.સમગ્ર ગુજરાતમાં શારદામંદિર અમદાવાદ ની વિદ્યાર્થીની ફેની શાહે 96 ટકા મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
ફેની શાહે ઈટીવી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે,“ મેં 90 ટકા પરિણામ વિચાર્યું હતું પરંતુ 96 ટકા આવ્યા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. હું મારા પરિણામનો શ્રેય મારા માતા-પિતા શિક્ષકો અને પોતાની મહેનતને આપું છું. હું હંમેશા ટેક્સ બુક ફોલો કરતી હતી અને રોજ વાંચન કરતી હતી.” ફેની શાહે વધુમાં જણાવ્યું કે, તેણીએ એમ.એસ.સી આઈટી ફિલ્ડમાં આગળ ભણવું છે. તેને શરૂઆતથી જ કમ્પ્યુટરમાં વધુ રસ છે અને એકાઉન્ટ્સ અને સ્ટેટ તેના મનપસંદ વિષયો છે. જેના કારણે તે 100 માંથી 100 માર્ક્સ મેળવી શકી છે.
તેણીએ વિદ્યાર્થીઓના માતા-પિતાને સંદેશો આપ્યો હતો કે, તેમના બાળકોને કોઈ સ્ટ્રેસ ન થાય તે માટે તેમના પર વિશ્વાસ કરવો જોઈએ અને તેમને વાંચનમાં મદદરૂપ થવું જોઈએ. તથા વિદ્યાર્થીઓએ પણ ખોટું ટેન્શન લીધા વિના રોજ અભ્યાસ કરી શાંતિથી પરીક્ષા આપવી જોઈએ. આ ઉપરાંત ફેનીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી હતી.