અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા (Gujarat University Exams 2022) ચાલી રહી છે, ત્યારે આજે જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું અંતિમ પેપર (Journalism Exam in Gujarat university) હતું જેમાં સિલેબસ બહારનું પેપર પૂછવામાં આવ્યું હતું. પેપર બદલી ન આપતા વિદ્યાર્થીઓ (Gujarat University Exams)એ પરીક્ષા બાદ હોબાળો કર્યો હતો અને ગ્રેસિંગથી પાસ કરવા માંગણી કરી છે. વિદ્યાર્થીઓના કહ્યા પ્રમાણે પેપરમાં 8 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો સિલેબસ બહારના હતા.
પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા- ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલ (swami vivekananda sankul Gujarat University)માં જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગનું પેપર (Advanced digital marketing Paper) હતું. આ પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા, કારણ કે આજનું પેપર સિલેબસ બહારનું હતું. આ અંગે ખંડ નિરીક્ષકને જાણ કરવામાં આવતા ખંડ નિરીક્ષકે યુનિવર્સિટીમાં વાત કરી હતી, પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે પેપર સિલબેસ બહારનું નથી. વિદ્યાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું છે, તે જ લખવા માટે કહેવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીએ કહ્યું પેપર સિલેબસનું જ છે- પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University Exam Controversy)માં પણ રજૂઆત કરી હતી. આ મામલે ઉમંગ મોજીદ્રા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે 8 પ્રશ્નો હતા તેમાંથી 2 જ પ્રશ્ન સિલેબસના હતા. જ્યારે બાકીના બધા સિલેબસ બહારના હતા. ગુજરાત યુનિવર્સિટીએ પણ એવું કહ્યું કે, પેપર સિલેબસનું જ છે અને તમારે લખવું પડશે. એક વિદ્યાર્થી નહીં તમામ વિદ્યાર્થીને આ સમસ્યા થઈ છે.
ફેકલ્ટીને જાણ કરવામાં આવી હતી- બીજી તરફ પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે, અમને વિદ્યાર્થીઓના પેપર બાબતે ફરિયાદ મળી હતી. અમે ફેકલ્ટી સાથે વાત કરી હતી તેમણે કહ્યા મુજબ પેપર બરોબર જ છે, જેથી પેપર બદલ્યું નથી.